સુરત એરપોર્ટ પર કામ કરાત આધેડનું ડુમસની હોટલમાં એકાએક મોત થયું
- સુરતમાં વધુ બે વ્યકિતના અચાનક મોત
- અમરોલીમાં
શ્વાસની તકલીફ બાદ યુવાન મોતને ભેટયો
સુરત :
સુરત
શહેરમાં છેલ્લા ઘણા સમયથી એકાએક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ મોત થવાના
બનાવમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. તેવા સમયે ડુમસની હોટલમાં રોકાયેલા સુરત એરપોર્ટ
પર કામ કરતા ૪૫ વર્ષના આધેડ અને અમરોલીમાં શ્વાસની તકલીફ બાદ ૩૨ વર્ષના યુવાનની અચાનક
તબિયત બગાડતા મોત થયું હતુ.
સિવિલથી મળતી માહિતી મુજબ મૂળ અમદાવાદ ખાતે જશોેદાનગરમાં પારૃલ એપાર્ટમેન્ટમની વતની અને હાલમાં ડુમસમાં સુલતાનાબાદમાં ઓયો હોટલમાં રાકાયેલા ૪૫ વર્ષના મોલિન્સ મનુભાઈ કિશ્ચિયન ગુરુવારે સાંજે હોટલના રૃમમાંથી મૃત હાલતમા મળી આવ્યા હતા હતા. આ અંગે જાણ થતા પોલીસે પહોચીને કાર્યવાહી કરી મૃતદેહને નવી સિવિલમાં ખસેડયો હતો. તેમના પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે, મોલિન્સ સુરત એરપોર્ટ ઉપર એક વિભાગમાં નોકરી કરતા હતા. તેમને સંતાનમાં એક પુત્રી છે. સિવિલમાં તેમનું પીએમ થયા બાદ ડોકટરે કહ્યુ કે, તેમને હાર્ટ એટેક આવ્યો હોવાની શક્યતા છે, તેમના લીધેલા વિવિધ સેમ્પલોના રિપોર્ટ આવ્યા બાદ હકીકત જાણવા મળશે.
બીજા બનાવમાં અમરોલીના કોસાડ આવાસમાં રહેતો ૩૨ વર્ષનો શુભમ રાજકુમાર જાળીયાને આજે શુક્રવારે સવારે ઘરમાં શ્વાસ લેવામાં તકલીફ શરૃ થઇ હતી. બાદમાં તેની તબિયત વધુ બગડતા બેભાન થઇ જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. શુભમ મૂળ ઉતરપ્રદેશનો વતની હતો. તે મજુરી કામ કરતો હતો. આ અંગે અમરોલી પોલીસે તપાસ આદરી છે.