ભાડે ફેરવવા લીધેલી બોલેરો પિકઅપ ગાડી પરત માંગતા આધેડને એક્સિડન્ટ કરી જાનથી મારી નાખવાની ધમકી
Vadodara : વડોદરા માંજલપુર વિસ્તારમાં કડિયા કામ કરતા આધેડ પાસેથી બોલેરો પિકઅપ ગાડી ભાડે ફેરવવા લઈ ગયા બાદ આ શખ્સ ગાડી પરત આપવાનું નામ લેતો ન હતો. ગાડીનું ભાડું પણ આપવાનું બંધ કરી દીધું હતું. આધેડે ગાડી માંગતા ત્યારે આ શખ્સે તેમને ગાડી નહીં મળે તારાથી થાય તે કરી લેજે તેમજ એકસીડન્ટ કરી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી આધેડે માંજલપુર પોલીસ સ્ટેશનમાં આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મૂળ લીમખેડાના અને હાલમાં માંજલપુર વિસ્તારમાં મળવાનાકા ખાતે સોમનાથ નગરમાં રહેતા નાનુભાઈ નાથાભાઈ ડાંગીએ ફરિયાદ નોંધાવી છે કે દોઢ વર્ષ પહેલા એક મહિન્દ્રા બોલેરો પિક અપ ખરીદ કરી હતી. જેનો ઉપયોગ અમે કડીયાકામ તથા સેન્ટીંગનો માલ સામાન લઈ જવા માટે કરતા હતા. નવેક મહીનાથી અમે સુરભી ઇન્ફ્રાસ્ટ્રકચર નામની સાઇડ જે જયુપીટર ચાર રસ્તા પાસે પંડીત દિનદયાલની સામે આવેલ હોય ત્યાં કડીયાકામ કરીએ છીએ. અમે કડીયાકામ કરીએ છીએ ત્યાં અશ્વીનકુમાર પરસોતમભાઈ પટેલ પંડીત દિન દયાલ આવતા જતા હોય અમારી તેઓ સાથે ઓળખાણ થયેલ હતી. અમારી બોલેરો પિકઅપ ગાડી સાઇડ ઉપર મુકી રાખતા હોય જેથી આ અશ્વીનકુમાર પરસોતમભાઈ પટેલે અમને કહ્યું હતું કે મારું ટ્રાન્સપોર્ટનું કામ છે તમારી બોલેરો પીકઅપ ગાડી ભાડેથી મને આપો. હું તમને મહિને રૂ.25 હજાર રૂપિયા ભાડુ આપીશ તેવી વાતચીત કરતા અમારી બોલેરો પિકઅપ ગાડી અશ્વીનકુમાર પટેલને ભાડે આપવા માટે તૈયાર થયા હતા. જેથી ગત 17 નવેમ્બર 2024 ના રોજ અમે તેને વાહન ભાડે આપવા બાબતનો કરાર લખી મારી બોલેરો પિકઅપ પંડીત દીન દયાલ એલ.આઈ.જી. મકાનની સામે તેઓને ભાડા માટે સોંપી આપી હતી. ત્યારબાદ આ અશ્વિનીકુમારે એક મહીનાનું ભાડુ આપેલ ત્યારબાદ તેઓએ ભાડુ આપવાનું બંધ કરી દીધું હતું તેમજ જેથી અમે તેઓને ફોન કરી ભાડુ આપવા અને બોલેરો પિકઅપ પાછી આપવાનું કહેતા અશ્વીન કુમારે ગાડી પરત નહી મળે તારાથી થાય તે કરી લે તેમ કહી બોલેરો પિકઅપ પરત આપવાની ના પાડી દીધી હતી. ઉપરાંત ગાડીનું ભાડુ પણ આપવાની ના પાડી અમને એક્સીડન્ટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. જેથી માંજલપુર પોલીસે આધેડની ફરિયાદના આધારે અશ્વિની કુમાર પટેલ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.