Get The App

જામનગરમાં બેફામ પથ્થરમારો કરવા સાથે સોડા બોટલના ઘા, આધેડ ઘાયલ

Updated: Feb 13th, 2025


Google News
Google News
જામનગરમાં બેફામ પથ્થરમારો કરવા સાથે સોડા બોટલના ઘા, આધેડ ઘાયલ 1 - image


પટણીવાડ વિસ્તારમાં 6 શખ્સોએ દંગલ મચાવતા ભયનો માહોલ : મકાન પર હલ્લાબોલ થવાથી ગભરાયેલા આધેડે પોતે જ ઘરવખરીને આગ ચાંપી દીધી : પિતરાઈ ભાઈને એ શખ્સો સાથે હરવા-ફરવાની ના પાડતા હુમલો કર્યો ! : ગંભીર ઘટનાનાં પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી હુમલાખોરોને ઝડપી લીધા

જામનગર, : જામનગરનાં પટણીવાડ વિસ્તારમાં ગઈકાલે છ શખ્સોએ દંગલ મચાવતા ભયનો માહોલ પ્રસર્યો હતો. જેમાં પિતરાઈ ભાઈને અમુક શખ્સો સાથે હરવા-ફરવાની ના પાડનાર આધેડના મકાન પર બેફામ પથ્થરમારો કરવા સાથે સોડા બોટલના ઘા કરવામાં આવ્યા હતા. એકાએક હલ્લાબોલ થવાથી ગભરાયેલા આધેડે પોતે જ પોતાના મકાનમાં આગ ચાંપી દેતા ઘરવખરી સળગી ગઈ હતી. આ ઘટનામાં એ આધેડ પણ ઘાયલ થયા હતા. આ ગંભીર ઘટનાનાં પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી હુમલાખોરોને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગરનાં પટણીવાડ વિસ્તારમાં રહેતા ફારૂકભાઈ અબ્દુલકરીમ મુલતાની નામના ૫૨ વર્ષના આધેડના ઘર ઉપર ગઈકાલે રાત્રે પથ્થરમારો અને સોડા બાટલીના ઘા થયા હતા. આ વિસ્તારમાં જ રહેતા દાનિશ ઝવુરભાઈ બેલીમ, રઉફ ગુલામહુસેન બેલિમ, અલમોઇન બેલીમ, અકિલ શેખ, ઇસ્માઇલ ખાટકી, તથા યુસુફ બેલીમ સહિતના છ શખ્સોએ ઘર પાસે ધસી આવી પથ્થરમારો કર્યો હતો અને સોડા બોટલના ઘા કર્યા હતા. જેમાં ફરિયાદી ફારૂકભાઈ મુલતાનીને ઇજા થઈ હોવાથી જામનગરની સરકારની જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે. 

આ હુમલાખોરો દ્વારા જ્યારે ઘર ઉપર હુમલો કરાયો હતો, ત્યારે તેઓને ભગાવવા માટે પોતાના ઘરમાંથી પણ વળતા ઘા કરાયા હતા તેમજ તમામ લોકોને ભગાડી દેવા માટે પોતાની જાતે જ મકાનમાં આગ ચાંપી દીધી હતી. ત્યારબાદ તમામ શખ્સો ભાગી છૂટયા હતા. આ બનાવ અંગે ફારૂકભાઈ મુલતાનીએ સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં તમામ છ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના કાકાનો દીકરો સોહીલ મોહમ્મદભાઈ આ આરોપીઓ સાથે હરતો ફરતો હોવાથી તેઓની સાથે ફરવાની ના પાડતાં તમામ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને આ હુમલો કરીને હંગામો મચાવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું.  આ બનાવ બાદ સીટી એ ડિવિઝનના પીઆઇ એને ચાવડા તથા અન્ય પોલીસ ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કોમ્બિંગ હાથ ધરીને હુમલાખોર તમામ છ આરોપીઓને અટકાયતમાં લઈ તેઓની ઘનિ પૂછપરછ ચાલુ કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં એ માટે પટણીવાડમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.


Tags :
Rajkotstone-peltingMiddle-aged-man-injured

Google News
Google News