પુણામાં મોપેડની બેટરીમાં ધડાકા બાદ સિલિન્ડર બ્લાસ્ટમાં દાઝેલા આધેડનું મોત
- ઇ- મોપેડ ચાર્જીંગમાં મુકી પરિવાર સૂઇ ગયો હતો, આગ ફેલાયા બાદ ગેસનો બાટલો પણ ફાટતા ચાર વ્યકિત દાઝ્યા હતા
સુરત :
પુણાગામમાં સાત દિવસ પહેલા ચાર્જીંગમાં મુકેલી ઈ-મોપેડની બેટરીમાં ધડાકા બાદ ગેસ સિલિન્ડર જારદાર બ્લાસ્ટ થતા લાગેલી આગમાં દાઝી ગયેલા ચાર વ્યકિત પૈકી આધેડનું સારવાર દરમિયાન ગત બપોરે મોત નીંપજયું હતું.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પુણાગામ ખાતે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષીય શિવલાલ રાણપરીયા ગત તા.૧૨મીએ રાતે પોતાની ઈલેક્ટ્રીક મોપેડ ચાર્જમાં મુકીને પરિવારજનો ઘરમાં મીઠી નિદ્ર માણી રહ્યા હતા. ગત તા.૧૩મી વહેલી સવારે ઈલેક્ટ્રીક મોપેડની બેટરીમાં શોર્ટ સકટ સાથે પ્રચંડ વિસ્ફોટ થતા આગ ભડકી ઉઠી હતી. આગ બેકાબુ બનતા આગની ઝપેટમાં ગેસના સિલિન્ડર આવતા જોરદાર અવાજ સાથે બ્લાસ્ટ થયો હતો. જેના લીધે બારીના કાચ ફુટયા, બારણા સહિત વસ્તુઓ નુકશાન થતા ત્યાં અફડાતફડી મચી જવા પામી હતી. ફાયરે આગ બુઝાવી હતી. જયારે આગની જ્વાળ લાગતા ૪૫ વર્ષીય શિવલાલ રાણપરિયા, તેમનો ૨૩ વર્ષીય પુત્ર જતીન અને ૨૦ વર્ષીય ભત્રીજો મિત અને પડોશમાં રહેતા ૩૫ વર્ષીય જયેશ લિંબાણી દાઝી ગયા હતા. જેથી ૧૦૮ એમ્બ્યુલન્સમાં ચારેય તુરંત સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જયારે વધુ સારવાર માટે શિવલાલને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જયાં શિવલાલનું સારવાર દરમિયાન ગુરુવારે બપોરે મોત નીંપજયુ હતું. આ અંગે પુણા પોલીસે તપાસ હાથ ધરી છે.