Get The App

સોલર પેનલ લગાડનારા ગ્રાહકોને તફાવતની રકમ આપવામાં વીજ કંપનીના ઠાગાઠૈયા

Updated: May 24th, 2024


Google NewsGoogle News

સોલર પેનલ લગાડનારા ગ્રાહકોને તફાવતની રકમ આપવામાં વીજ કંપનીના ઠાગાઠૈયા 1 - image

VADODARA: મધ્ય ગુજરાત વીજ કંપની સ્માર્ટ મીટર લગાડીને ગ્રાહકો પાસેથી વીજ બિલના પૈસા એડવાન્સમાં લેવા માંગે છે અને બીજી તરફ સોલર પેનલો ધરાવતા ગ્રાહકોની જમા રકમ આપવામાં વીજ કંપની અખાડા કરી રહી છે.

સોલર પેનલો થકી જેટલી પણ વીજળી ઉત્પન્ન થાય છે

દરેક ગ્રાહકને સોલર પેનલો થકી જેટલી પણ વીજળી ઉત્પન્ન થાય છે તેની અને જે તે ગ્રાહક દ્વારા થતા વીજ વપરાશની ગણતરી કરવામાં આવે છે અને જો સોલર પેનલ દ્વારા ઉત્પન્ન થતી વીજળી  ગ્રાહક દ્વારા વપરાશ કરવામાં આવતી વીજળી કરતા વધારે હોય તો તે તફાવત પેટે ગ્રાહકને યુનિટ દીઠ 2.25 રુપિયા ગણતરી કરીને રકમ ચુકવવામાં આવે છે.વીજ કંપની દ્વારા દરેક નાણાકીય વર્ષના અંતે ગણતરી કરીને રકમ ગ્રાહકના બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે.

ગ્રાહકોને તફાવતની રકમ હજી મળી નથી

વડોદરા સોલર પેનલો લગાવવામાં મોખરે છે. એકલા વડોદરામાં જ 60,000 જેટલા ઘરો પર સોલર પેનલો લાગી હોવાનો અંદાજ છે અને સમગ્ર મધ્ય ગુજરાતમાં સોલર પેનલો લગાડનારા ગ્રાહકોની સંખ્યા એક લાખ કરતા વધારે થવા જાય છે. આ સંજોગોમાં સોલર પેનલ થકી વધારાના પૈસા મેળવનારા ગ્રાહકોની સંખ્યા પણ નોંધપાત્ર છે.જોકે 2023-24નુ નાણાકીય વર્ષ પૂરુ થઈ ગયુ છે અને મે મહિનો પૂરો થવા આવ્યો છે પણ ગ્રાહકોને તફાવતની રકમ હજી મળી નથી.

કેટલાક ગ્રાહકોને બે-બે વર્ષથી તફાવતની રકમ મળી નથી

સૂત્રોએ કહ્યુ હતુ કે સબ ડિવિઝનમાંથી મોકલવામાં આવેલી જાણકારીની હજી તો કોર્પોરેટ ઓફિસમાં ચકાસણી ચાલી રહી છે.આ સંજોગોમાં ગ્રાહકોને સોલર પેનલ થકી જો વધારાની રકમ લેવાની થતી હશે તો તે માટે રાહ જોવી પડશે. ગ્રાહકો પાસેથી સ્માર્ટ મીટરના નામે એડવાન્સ રિચાર્જનો આગ્રહ રાખતી અથવા તો વીજ બિલની ભરવાની તારીખ પૂરી થયા બાદ તરત જ જોડાણ કાપવાની કાર્યવાહી કરતી વીજ કંપનીના સત્તાધીશો ગ્રાહકોને પૈસા આપવાના થાય તો ગોકળગાયની ગતિએ કામ કરતા હોય છે. કેટલાક ગ્રાહકો તો એવા પણ છે જેમને બે-બે વર્ષથી તફાવતની રકમ મળી નથી અને આ મુદ્દે પણ ગ્રાહકોને યોગ્ય જવાબ મળતા નથી.

સોલર પેનલ લગાડનારા ગ્રાહકોને તફાવતની રકમ આપવામાં વીજ કંપનીના ઠાગાઠૈયા 2 - image


Google NewsGoogle News