ગુજરાતમાં ભાજપના રાજમાં મનરેગાની અવદશા, ગરીબોને 100 દિવસની રોજગારી પણ ન અપાઇ
MGNREGA Scheme: મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર બાંહેધરી યોજનાએ ગરીબો માટે આર્શિવાદરૂપ છે. આમ છતાંય ગુજરાત સરકાર ગરીબોને 100 દિવસ રોજગારી પુરી પાડી શકી નથી. ચોંકાવનારી બાબત તો એ છેકે, 100 દિવસ રોજગારી મેળનારાં ગરીબ કુંટુબોની સંખ્યામાં ય ઘટાડો નોધાયો છે. આ પરથી એક વાત પ્રસ્થાપિત થઇ છેકે, ગુજરાતમાં મનરેગા યોજનામાં હજુ ઘણુ કામ કરવાનું બાકી છે. જે રીતે મનરેગા પાછળનો ખર્ચ ઓછો થઇ રહ્યો છે તે જોતાં લાગે છેકે, ગુજરાત સરકારને જ મનરેગોમાં ઝાઝો રસ રહ્યો નથી.
દાહોદ, નર્મદાને બાદ કરતાં અન્ય જિલ્લાઓમાં રોજગારીનું પ્રમાણ ઓછું
ગરીબ કુંટુબો મનરેગાના માઘ્યમથી રોજગારી મેળવી શકે છે પણ ગુજરાતમાં પરિસ્થિતી કઇંક અલગ છે. રાજ્ય સરકારના રિપોર્ટ અનુસાર, વર્ષ 2021-22માં 38,694 કુંટુબોએ સો દિવસ રોજગારી મેળવી હતી જ્યારે વર્ષ 2023-24માં સો દિવસ રોજગારી મેળવનારાં કુંટુબોની સંખ્યા 23,419 હતી. આમ, 15 હજાર કુંટુબોને ઓછી રોજગારી મળી હતી. આ જ પ્રમાણે, વર્ષ 2021-22માં 11.43 લાખ કુટુંબોને મનરેગા હેઠળ રોજગારી મળી હતી જ્યારે વર્ષ 2023-24માં માત્ર 9.94 લાખ કુટુંબો જ રોજી મેળવી શક્યા હતાં. આમ, દોઢેક લાખ કુંટુબો ઘટ્યાં હતાં.
આ પણ વાંચો: વરવી વાસ્તવિકતા : 'શાંત અને સલામત' ગુજરાતમાં 31 દલિતોના ખૂન થયાં, અમદાવાદ-કચ્છ મોખરે
મનરેગા હેઠળ વર્ષ 2021-22મા અનુ.સૂચિ.ના લોકોની સંખ્યા 30.41 લાખ હતી જ્યારે વર્ષ 2023-24માં આ સંખ્યા ઘટીને 26.11 લાખ થઇ હતી. અનુ.સૂચિ.જનજાતિ ના લોકોની સંખ્યા ઘટાડો નોંધાયો છે. મહત્વની વાત તો એછેકે, દાહોદ અને નર્મદા જિલ્લામાં જ 100 દિવસ રોજગારી મેળવતાં લોકોની સંખ્યા વધુ હતી. બાકી, વલસાડ, મોરબી, રાજકોટ, ગીર સોમનાથ, દ્વારકા, વડોદરા સહિત અન્ય જીલ્લાઓમાં કુટુંબોની સંખ્યા ઘણી ઓછી રહી છે.
દિવ્યાંગોને પણ આ યોજના હેઠળ રોજગારી આપવાનુ નક્કી કરાયુ છે, ત્યારે વર્ષ 2021-22માં 13988 દિવ્યાંગોને રોજી અપાઇ હતી. જ્યારે વર્ષ 2023-24માં 75036 દિવ્યાંગો નોંધાયા હતાં તે પૈકી માત્ર 12030ને રોજગારી મળી શકી હતી. વર્ષ 2021-22માં રાજ્ય સરકારે મનરેગા પાછળ કુલ 66.19 ટકા ખર્ચ કર્યો હતો જ્યારે વર્ષ 2023-24માં ખર્ચની ટકાવારી ઘટીને 55.46 રહી હતી.