શહેરમાં ઠંડીનો પારો 13.8 ડિગ્રીએ સ્થિર, મહત્તમ તાપમાન સતત બીજા દિવસે વધ્યું
- 14 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનથી ઠંડીના ચમકારાનો અનુભવ
- વાતાવરણમાં ભેજનું પ્રમાણ 49 ટકાએ પહોંચ્યું, જોગર્સ પાર્ક, બાગ-બગીચાઓમાં વહેલી સવારે સ્વાસ્થ્યપ્રેમીઓની સંખ્યામાં વધારો
ભાવનગર : શહેરમાં રાતનું તાપમાન સ્થિર રહ્યું હતું. તો મહત્તમ તાપમાનમાં સતત બીજા દિવસે વધારો નોંધાતા નાગરિકોને કડકડતી ઠંડીમાં રાહત રહી હતી. જો કે, દિવસ દરમિયાન ૧૪ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનથી ઠંડીના ચમકારાનો અનુભવ થયો હતો.
ભાવનગરમાં ડિસેમ્બરના બીજા સપ્તાહમાં હાડથીજાવી નાંખે તેવી ઠંડીનો અહેસાસ થયા બાદ છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટયું છે. ખાસ કરીને રાત્રિના સમયે ઠંડીનો પારો સ્થિર રહેતા કડકડતી ઠંડીમાં થોડી રાહત મળી છે. ગઈકાલ બાદ આજે પણ શહેરનું લઘુતમ ઉષ્ણતાપમાન ૧૩.૮ ડિગ્રીએ સ્થિર રહ્યું હતું. જ્યારે દિવસે ઠંડીની અસર ઓછી વર્તાતા મહત્તમ તાપમાન ૦.૪ ડિગ્રી વધીને ૨૭.૪ ડિગ્રીએ પહોંચી ગયું હતું. દિવસે ૧૪ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા શહેરીજનોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૯ ટકા નોંધાયું હતું. જે ગઈકાલની તુલનામાં ૦૮ ટકા વધું છે. ઉલ્લેખનિય છે કે, પ્રથમ સપ્તાહની તુલનામાં ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ઠંડીમાં થયેલા વધારાના પગલે જોગર્સ પાર્ક, બાગ-બગીચાઓમાં વહેલી સવારે સ્વાસ્થ્યપ્રેમીઓની સંખ્યામાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે.