ગુજરાતમાં એકમાત્ર દિવાળીનો ઐતિહાસિક વારસો, ડુંગર પર રાત્રે 13 ફૂટ ઊંચુ મેરાયું પ્રકાશ પાથરશે
Diwali Festival: અરવલ્લીમાં દિવાળીનો ઐતિહાસિક વારસો આજે પણ જળવાયેલો છે. જેમાં શામપુર ગામના ઊંચા ડુંગર ઉપર આજે (31મી ઑક્ટોબર) દિવાળીની રાત્રે 13 ફૂટ ઊંચુ અને 7 ફૂટ ઘેરાવો ધરાવતું મેરાયું પ્રગટાવી પ્રકાશ પર્વની દર વર્ષની જેમ ઉજવણી કરવામાં આવશે. ગ્રામજનોના જણાવ્યાનુસાર, મહાભારત કાળથી આ પરંપરા અકબંધ છે.
આ પણ વાંચો: સુરતના લિંબાયત - ઉધનાના MLAની ‘હિંમત’ વધી, બેનરોમાંથી મોદી, શાહ અને CM ગાયબ : માત્ર પાટીલને સ્થાન
મહાભારત કાળથી ચાલી આવતી પરંપરા હજુ અકબંધ
અગાઉના વર્ષોમાં દિવાળીના દિવસે બાળકો હાથમાં મેરાયું લઈને 'આજ દિવાળી, કાલ દિવાળી ગોકુળિયામાં થાય દિવાળી' બોલતાં બોલતાં ઘરે ઘરે તેલ પૂરવા માટે નીકળતા હતા. પરંતુ હવે મેરાયું પ્રગટાવવાની પરંપરા લુપ્ત થતી જાય છે. ત્યારે અરવલ્લીના શામપુર ગામે દિવાળીની રાત્રે ડુંગર ઉપર રાજ્યનું સૌથી મોટું અને ઐતિહાસિક કથા સમાન મેરાયું પ્રગટાવવાની પરંપરા જળવાયેલી રહી છે. મહાભારત કાળથી આ પરંપરા ચાલી આવી છે. ઊંચા ડુંગર ઉપર મેરાયું ઈંટ અને ચૂનાથી ચણવામાં આવ્યું છે. દિવાળીની રાત્રે ગ્રામજનો વાજતે ગાજતે ડુંગર ઉપર જઈ પરંપરા મુજબ મેરાયું પ્રગટાવતા હોવાથી ગ્રામજનોમાં તેનો ઉત્સાહ જોવા મળ્યો છે.