વડોદરાના 613 રીઢા ગુનેગારોને ટ્રેક પર લાવવા મેન્ટર પ્રોજેક્ટ..દરેક ગુનેગાર પર એક પોલીસ મેન્ટર તરીકે રહેશે
વડોદરાઃ વડોદરામાં ગુનાખોરી આચરતા રીઢા ગુનેગારોને ટ્રેક પર લાવી સમાજમાં સામાન્ય નાગરિક તરીકે ભેળવવા માટે વડોદરા પોલીસે મેન્ટર પ્રોજેક્ટને અસરકારક બનાવવા અભિયાન ઉપાડયું છે.જે અંતર્ગત કુલ ૬૧૩ ગુનેગારો દીઠ એક એક પોલીસ મેન્ટર બનશે.
મિલકત સબંધી બે થી વધુ ગુના આચરનાર તેમજ ડ્રગ્સ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા હોય તેવા ગુનેગારોને વારંવાર ગુનાખોરી કરતા અટકાવવા માટે તેમજ ેતેને સામાન્ય નાગરિકની જેમ સમાજમાં ભેળવવા માટે મેન્ટર પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે.જે અંતર્ગત આ પ્રકારના દરેક ગુનેગારો માટે એક એક પોલીસ મેન્ટર રહેશે.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે આજે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મેન્ટર પ્રોજેક્ટ વધુ અસરકારક બનાવવા માટે સંવાદ કર્યો હતો.તેમણે કહ્યંુ હતું કે,વડોદરા શહેરમાં કુલ ૬૧૩ ગુનેગારોને આવરી લેવામાં આવ્યા છે.જેમનો ગુનાઇત ભૂતકાળ અને ગુનો કરવાની પધ્ધતિનો વિગતવાર અભ્યાસ કરવામાં આવ્યો છે.આ પ્રકારના દરેક ગુનેગાર દીઠ એક પોલીસ મેન્ટર તરીકે રહેશે.
મેન્ટર બનેલા પોલીસે તેને સોંપેલા ગુનેગારની દરેક હિલચાલ પર નજર રાખી તેમજ તેના નિકટના વર્તુળો સાથે સંપર્ક રાખી તે ફરીથી ગુનો કરતા અટકે તેવો પ્રયાસ કરવાનો રહેશે.ત્યારબાદ તેણે દર સપ્તાહે ઉપરી અધિકારીને રિપોર્ટ આપવાનો રહેશે.
મેન્ટર પ્રોજેક્ટથી ગુનાખોરી કાબૂમાં કેટલી સફળતા મળી
મેન્ટર પ્રોજેક્ટને કારણે ગુનેગારોને કાબૂમાં લેવામાં સફળતા મળી હોવાનો પોલીસ કમિશનરે દાવો કર્યો છે.
તેમણે કહ્યું છે કે,મેન્ટર પ્રોજેક્ટને કેવી રીતે વધુ અસરકારક બનાવવો તેના પર અમે કામ કરી રહ્યા છીએ.પોલીસ દ્વારા સતત નજર રહેતી હોવાથી તેમજ તેના નિકટના વર્તુળો સાથે સંપર્ક રહેતો હોવાથી ગુનાખોરી ઉકેલવામાં સુગમતા રહે છે.
શહેરમાં લૂંટના ૧૧ બનાવોનો ઉકેલ લાવવામાં અમને આ પ્રોજેક્ટ ઉપયોગી બન્યો છે.આ ઉપરાંત અછોડા લૂંટવાના બનાવોમાં ૮૧ ટકા,દિવસની ચોરીઓ ઉકેલવામાં ૭૧ ટકા,વાહનચોરીના ૪૭ ટકા અને રાતની ઘરફોડ ચોરીના ૪૭ ટકા કેસો ઉકેલવામાં સફળતા મળી છે.
મહિલા મેન્ટર પણ દમદાર,12 મહિલા ગુનેગારો માટે 17 મહિલા મેન્ટર
મેન્ટર પ્રોજેક્ટમાં મહિલા પોલીસ પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે અને તેની સારી અસર જોવા મળી રહી છે.ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ હેતલ તુવેરે કહ્યું હતું કે,પોલીસ કમિશનર દ્વારા મેન્ટર પ્રોજેક્ટમાં એક ડઝન મહિલા ગુનેગારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.આ મહિલા ગુનેગારો માટે ૧૭ મહિલા પોલીસ મેન્ટર તરીકે મોનિટરિંગ કરી રહી છે.
10 ટકા ગુનેગારો પોલીસની પહોંચથી બહાર
વડોદરા પોલીસે મેન્ટર પ્રોજેક્ટ માટે ૬૧૩ ગુનેગારોની યાદી તૈયાર કરી છે.જે પૈકી ૬ ગુનેગારોના મૃત્યુ થઇ ચૂક્યા છે.જ્યારે,૧૦ ટકા ગુનેગારો હજી પોલીસની પહોંચથી દૂર છે.જેથી તેમના માટે કામગીરી ચાલી રહી છે.