સિવિલમાં માનસિક બિમાર દર્દીએ મહિલા ડૉકટરના વાળ પકડી ધક્કો મારી દીધો
- દર્દીના પુત્રએ ડૉકટરને તમાચો માર્યા બાદ બીજી ઘટના
- ઇજાની સારવાર માટે ઇમરજન્સી વિભાગના લવાયો હતો : સ્ટાફ અને સિક્યુરીટીએ ડોકટરને છોડાવી યુવાનને મેથીપાક આપ્યો
સુરત,:
નવી
સિવિલ હોસ્પિટલમાં મંગળવારે ઇમરજન્સી વિભાગમાં દર્દીના પુત્રએ રેસીડન્ટ ડોકટરને
તમાચો માચવાની શાહી સુકાઇ નથી. તેના બીજા દિવસે પણ માનસિક બિમાર દર્દીએ મહિલા
રેસિડન્ટ તબીબને વાળ પકડીને ધક્કો મારતાં હોબાળો થયો હતો.
સિવિલના સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં રહેતો ૨૪ વર્ષીય યુવાન છેલ્લા સાત વર્ષથી માનસિક બિમારીથી પીડાય છે, સારવાર ચાલુ છે. મજુરીકામ કરતો યુવાને બુધવારે સાંજે ઘરમાં પરિવાર સાથે મારામારી કરતા ઇજા થઇ હતી. તેને ૧૦૮માં નવી સિવિલના ઇમરજન્સી વિભાગમાં ખસેડાયો હતો. જ્યાં તે બેડ ઉપર સૂતો હતો ત્યારે બાજુના બેડ ઉપર અન્ય દર્દીને મહિલા રેસીડેન્ટ ડોક્ટર સારવાર આપી રહી હતી ત્યારે ડોકટરના વાળ ખેંચીને દિવાલ તરફ ધક્કો મારી દીધો હતો. જેથી ડોકટરો અને સ્ટાફમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. સિક્યુરીટી ગાર્ડ અને સ્ટાફે મહિલા ડોકટરને છોડાવીને યુવાનને મેથીપાક આપ્યો હતો.
આરએમઓ ડો.કેતન નાયક ત્યાં પહોંચ્યા બાદ દર્દીને પોલીસના હવાલે કરી ખટોદરા પોલીસમાં લેખિતમાં જાણ કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે, મંગળવારે સાંજે નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં સોનોગ્રાફી રૃમમાં દર્દીના પુત્રએ રેસીડન્ટ ડોકટરને તમાચો મારી દેતા હંગામો મચી ગયો હતો. બીજા દિવસે મહિલા ડોકટરના વાળ પકડી ધક્કો મારવાનો બનાવ બન્યો હતો. સિવિલમાં પોલીસ અને સિક્યુરીટી ગાર્ડ હોવા છતા ઘટનાને પગલે સલામતી મુદ્દે સવાલો ઉઠી રહ્યા છે.