Get The App

ભાજપના સભ્યપદ અભિયાનનું વધુ એક ભોપાળું, ઓપરેશન માટે આવેલા દર્દીને સભ્ય બનાવી દીધા

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
ભાજપના સભ્યપદ અભિયાનનું વધુ એક ભોપાળું,  ઓપરેશન માટે આવેલા દર્દીને સભ્ય બનાવી દીધા 1 - image


BJP Membership Campaign: ભાજપનું સદસ્યતા અભિયાન જ્યારથી શરૂ થયું છે ત્યારથી સતત વિવાદોમાં રહ્યું છે. એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે. આ પહેલાં વિદ્યાર્થીઓને સભ્ય બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ હવે રાજકોટમાં દર્દીઓને સભ્ય બનાવવમાં આવતા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો એક દર્દીએ ઉતારી લીધો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલમાં દર્દીઓને ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા હોવાનો મોટો પર્દાફાશ થયો છે. આ સમગ્ર ઘટના એક કમલેશ ઠુમ્મર નામના દર્દીએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. વાત જાણે એમ છે કે જૂનાગઢમાં ખલીલપુર રોડ પર રહેતા કમેશભાઇ ઠુમ્મર મોતિયો ઉતરાવવા માટે રાજકોટ ખાતે આવેલી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં તેમને હોસ્પિટલના જનરલ વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યા હતા. આ વોર્ડમાં 300થી વધુ દર્દીઓ હતા. 

આ દરમિયાન રાત્રે 11 વાગ્યાની આસપાસ એક યુવક આવીને બધાને વારાફરતી ઉઠાડીને મોબાઇલ નંબર માંગવા લાગ્યો હતો. મને લાગ્યું કે આ કોઇ હોસ્પિટલનો સ્ટાફ હશે. પરંતુ થોડીવાર પછી મારા નંબર પર ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા હોવાનો મેસેજ આવતાં મને ખબર પડી. આ દરમિયાન આ યુવક બીજા દર્દીને ઉઠાડીને નંબર પૂછી રહ્યો હતો ત્યારે મેં ચૂપચાપ છાનામાન ખબર ન પડે એ રીતે વીડિયો બનાવી લીધો હતો. આ યુવકે એક પછી એક 200થી વધુ દર્દીઓને ભાજપના સભ્ય બનાવ્યા હતા. 

આ પણ વાંચો: ઇરાન-ઇઝરાયલના યુદ્ધે દિવાળી બગાડી, ડ્રાયફ્રૂટના ભાવમાં 200 રૂ.નો ઉછાળો, પિસ્તાનું તો પૂછો મત!

સદસ્યતા અભિયાને ભાજપની લોકપ્રિયતાની પોલ ખોલી

આ વખતે સત્તા પર હોવા છતાંય સભ્ય નોંધતા ભાજપને આંખે પાણી આવ્યું છે. મોટા ઉપાડે બે કરોડનો ટાર્ગેટ અપાયો છે પણ આ સદસ્યતા અભિયાને ભાજપની લોકપ્રિયતા કેટલી છે તેની વાસ્તવિકતા છતી કરી દીધી છે. સભ્ય નોંધણીને મોળો પ્રતિસાદ મળ્યો છે. . ખુદ ભાજપમાં જ ગણગણાટ છે કે, ભાજપને ભરતી મેળો પણ નડ્યો છે કેમકે, સંનિષ્ઠ અને પાયાના કાર્યકરો હાંસિયામાં ધકેલાયા છે. પક્ષપલટુઓએ સરકાર અને કમલમમાં અડિંગો જમાવ્યો છે. અસંતોષ-જૂથવાદની આગે ભાજપને ભરડામાં લીધો છે.

ટાર્ગેટ પૂરો કરવા શાળાના બાળકોને સભ્ય બનાવ્યા 

સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાની અણીન્દ્રા શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સભ્યો બનાવી દેવામાં આવ્યા હતા. વઢવાણના અણીન્દ્રામાં આવેલી એમ. આર. ગાર્ડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સદસ્યતા અભિયાનમાં મોબાઇલ લાવીને સદસ્ય બનાવ્યા હોવાનો આક્ષેપ થયા હતા. જેને લઇને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ શાળાને નોટિસ ફટકારીને દોષિતો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. 

ઊંઝાના કોંગ્રેસના પૂર્વ મહામંત્રી બનાવી દીધા ભાજપના સભ્ય 

ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યુ છે. ત્યારે આ સદસ્યતા અભિયાનમાં મહેસાણા જિલ્લા ઊંઝાના કોંગ્રેસના પૂર્વ મહામંત્રી નટુજી ઠાકોરને ખોટી રીતે ભાજપના સભ્ય બનાવી દેવામાં આવતા આવ્યા હતા. જેનો તેમના મોબાઈલ ફોનમાં મેસેજ આવતાં ખુલાસો કરી જાહેર કર્યુ હતું. ઊંઝાના પ્રદેશ ભાજપ પ્રમુખને આ મુદ્દે લેખિત રજૂઆત પણ કરી હતી.


Google NewsGoogle News