'ગૃહમાં સભ્યોએ સરખી રીતે બેસવું જોઈએ, તમામને શીખવાડવાનું ન હોય'..અધ્યક્ષની ધારાસભ્યો-મંત્રીઓને ટકોર
Shankar Chaudhary rebuke to MLAs and ministers: વિધાનસભાની કાર્યવાહી દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શિક્ષકની માફક વિધાનસભાના સભ્યોને ટકોર કરતાં કહ્યું હતું કે ધારાસભ્યો અને મંત્રીઓ અંદરો અંદર વાતો ન કરે. ઘણો સમય થઈ ગયો હવે બધાને શીખવાડવાનું ન હોય. સરખી રીતે બેસવું જોઈએ. એટલું જ નહીં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય કિરીટ પટેલને પણ ટકોર કરી હતી.
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ધારાસભ્યોની વર્તણૂકથી નારાજ થયા હતા અને ના છૂટકે ટકોર કરવી પડી હતી. આ પહેલાં ગુરુવારે ગૃહમાં ફોટો પાડવા બાબતે ધારાસભ્ય કાંતિ અમૃતિયા બાદ અલ્પેશ ઠાકોરને પણ ટકોર કરી હતી. શંકર ચૌધરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ગૃહની અંદર ફોટા ન પાડવા અને મોબાઇલ ગૃહની બહાર મૂકીને આવવાની સૂચના આપી હતી. તેમણે આગળ કહ્યું હતું કે હવે સૂચના નહીં અપાય, ધારાસભ્યોને સીધા બહાર કાઢી મૂકવામાં આવશે.
જ્યારે વિધાનસભા ગૃહમાં કાર્યવાહીની વાત આવે છે, પ્રજાના પ્રશ્નોની ચર્ચા થતી હોય છે. એવા સમયે ઘણા ધારાસભ્યો ફોનમાં મસ્ત હોય છે. કેટલાક ફોનમાં વાતો કરે છે, તો કેટલાક ફોટા પાડે છે.