સાઉદીમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલા ગોધરા પાલિકાના સભ્યને ૨૫ વર્ષની કેદ
જેદાહ એરપોર્ટ પર છ માસ પહેલાં પકડાયા બાદ મોહંમદ કલંદરને ૧ લાખ રિયાલનો દંડ પણ ફટકારાયો
ગોધરા તા.૪ ગોધરા નગરપાલિકાના સભ્ય મોહમ્મદ હનીફ સઈદ કલંદર અને ગોધરાના એક કુટુંબના ૩ સભ્યોની ૬ મહિના પૂર્વે સાઉદી અરેબિયાના જેદાહ એરપોર્ટ ઉપર પ્રતિબંધિત નશીલી દવાઓના જંગી જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી હતી. છ માસ પૂર્વેના આ કેસમાં મોહંમદ કલંદરને સાઉદીની શરિયા કાનૂન અદાલત દ્વારા ૨૫ વર્ષની કેદ અને એક લાખ રિયાલ એટલે કે આશરે ૨૩ લાખ રૃપિયાનો દંડ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા નગરપાલિકાના ચૂંટણી જંગમાં ઓવૈસીના પક્ષ એઆઇએમઆઇએમમાંથી ચૂંટણી લડેલા મોહંમદ હનીફ સઇદ કલંદર સૌથી વધારે મતથી જીતી પાલિકાના સભ્ય બન્યા હતાં. ૬ મહિના પૂર્વે જુલાઈ માસમાં સાઉદી અરેબિયાના જેદાહ એરપોર્ટ ઉપર પ્રતિબંધિત નશીલી દવાઓના જંગી જથ્થા સાથે એરપોર્ટ ઓથોરિટિના સત્તાધિશો દ્વારા કલંદરની અટકાયત કરવામાં આવી હતી. આ વખતે ગોધરાનું હવાત કુટુંબનું દંપતી અને એક મહિલા સહિત ત્રણની પણ પ્રતિબંધિત નશીલી દવાઓના જથ્થા સાથે અટકાયત કરીને સાઉદી અરેબિયાના સત્તાવાળાઓને હવાલે કરવામાં આવ્યાં હતાં.
પ્રતિબંધિત નશીલી દવાઓના જથ્થાના આરોપસર જેદાહના દેહબાન સેન્ટ્રલ જેલમાં કેદ રહેલા ગોધરાના આ ચાર આરોપીઓ સામે સાઉદી અરેબિયાની સૌથી મોટી શરિયા અદાલત સમક્ષ હાથ ધરાયેલ ન્યાયિક સુનાવણીના અંતે ગોધરા નગરપાલિકાના સદસ્ય મોહમ્મદ હનીફ કલંદરને ૨૫ વર્ષ કેદની સજા તથા ૧ લાખ રિયાલનો દંડ ફટકારતો આકરો ચુકાદો ફરમાવવામાં આવ્યો હતો. જ્યારે ગોધરાના હયાત કુટુંબના ૩ સભ્યોને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કરાયો હતો.