મહેસાણામાં નસબંધી કાંડ! હોસ્પિટલે યુવકને જાણ કર્યા વગર ઓપરેશન કરી નાખ્યું, તેના એક મહિના બાદ લગ્ન થવાના છે
Mehsana Vasectomy Scandal : મહેસાણામાં એક યુવકની જાણ બહાર તેની નસબંધી કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે આ યુવકના એક મહિના બાદ જ લગ્ન છે. સમગ્ર મામલે પરિવારે હોબાળો મચાવતા જવાબદારોએ ઓપરેશન ખોલવાની હિલચાલ શરૂ કરી હોવાની માહિતી મળી છે. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ કરશે.
યુવકની જાણ બહાર કરાઈ નસબંધી
મહેસાણામાં યુવકની જાણ બહાર જ તેની નસબંધીનું ઓપરેશન કરી દેવાનો યુવકે આરોપ લગાવ્યો છે. નવી શેઢાવી ગામ નજીક વગડામાં રહેતા 31 વર્ષના ગરીબ યુવાનને વાડીમાંથી ચીકુ, જામફળ ઉતારવાના છે એમ કહી મજૂરીએ લઈ જવાયો હતો, જ્યાં નશો થાય તેટલો દારૂ પીવડાવી યુવકનું ઓપરેશન કરી દીધાનો આક્ષેપ છે. યુવકને બીજા દિવસે ખ્યાલ આવ્યો કે નસબંધીનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું છે. મહત્ત્વનું છે કે એક મહિના બાદ યુવકના લગ્ન છે.
અડાલજમાં નસબંધીનું ઓપરેશન કરાવ્યું
મહેસાણા જિલ્લા આસિસ્ટન્ટ ડિસ્ટ્રીક્ટ હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું કે, આ યુવકને સૂરજ PHCના ધનાલી ગામના મેન હેલ્થવર્કર સેહજાદ અજમેરી લઈ ગયા હતા. યુવકને અડાલજ સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ ખાતે સરકારી મેડિકલ કેમ્પમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યારે એક અપરણિત યુવકની નસબંધી કરી દેવાના મામલે આરોગ્ય વિભાગ એકબીજા અધિકારી પર ખો આપતા જોવા મળ્યા. સમગ્ર મામલે ઉપરી અધિકારીને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં જિલ્લાના આરોગ્ય વિભાગને દર વર્ષે 175 પુરુષોની નસબંધી કરવાનો ટાર્ગેટ આપવામાં આવે છે. ટાર્ગેટ પુરો કરવા માટે પુરુષોને ગેરમાર્ગે દોરીને અથવા છેતરીને ઓપરેશન કરી દેવામાં આવે છે. આ ગંભીર મામલે યોગ્ય તપાસ થાય તો આવા અન્ય પુરુષોની વિગતો પણ સામે આવે તેવી શક્યતા છે.