ગુજરાતમાં હવે 'નસબંધીકાંડ': ખેતરમાં મજૂરીની લાલચે પરિણીત યુવકને દારૂ પીવડાવી કાંડ કર્યો
Representative image |
Mehsana Vasectomy Scandal: મહેસાણા જિલ્લામાં નવી શેઢાવી ગામમાં એક મહિના પછી લગ્ન થવાના હતાં તે કુંવારા યુવકને દારુ પીવડાવી નસબંધી કરી દીધી હતી. આ ઘટનાને હજુ એક દિવસ વિત્યો નથી ત્યાં આ જ વિસ્તારમાં જમનાપુરમાં એક 30 વર્ષીય પરિણીત યુવકની બારોબાર નસબંધી કરી દેવામાં આવી છે. આ ઘટનાને પગલે રાજ્ય આરોગ્ય વિભાગ શંકાની આંગળી ચિંધાઈ છે. સમગ્ર રાજ્યમાં કુટુંબ નિયોજન પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. ત્યારે આરોગ્ય કર્મચારીઓ અવનવા અખતરાં કરી નસબંધી માટે ટાર્ગેટ પૂર્ણ કરી રહ્યાં છે. આવી ઘટનાને પગલે લોકોમાં રોષ ભભૂક્યો છે.
ખ્યાતિકાંડ પછી નસબંધીકાંડ
રાજ્યમાંજે રીતે હોસ્પિટલમાં ડોક્ટરોથી માંડીને આરોગ્ય વિભાગના કર્મચારીઓ કરતૂત આચરી રહ્યાં છે તે જોતાં રાજ્ય આરોગ્ય વિભાગ સામે લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે. ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે કેટલી હદે પોલંપોલ ચાલે છે તે ખ્યાતિકાંડ પછી નસબંધીકાંડ પરથી સાબિત થઈ રહ્યુ છે. મહેસાણા જિલ્લાના નવા શેઢાવી ગામમાં 30 વર્ષીય યુવક ગોવિંદ દંતાણીના એક પછી લગ્ન થવાના હતાં અને લીંબુ જામફળની વાડીમાં મજૂરીની લાલચ આપી નસબંધી કરી દેવામાં આવી હતી. આ ઘટના હજુ લોકો ભૂલ્યાં નથી ત્યાં મહેસાણા જિલ્લાના જ જમનાપુર ગામમાં એક ઠાકોર યુવકની પણ બારોબાર નસબંધી કરી દેવામાં આવી હતી.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, આ ઘરકંકાસ થતા યુવકને છોડી પત્નિ પિયર પહોંચી ગઈ હતી. ઝઘડો એટલી હદે વધ્યો કે, બંનેએ છૂટાછેડા લીધા હતાં. આખરે આ યુવકના પરિવારજનોએ મહિના પછી લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. ત્યાં એક આરોગ્ય કર્મચારીએ યુવકને ખેતરમાં મજૂરીની લાલચ આપી હતી. આ યુવકનું કહેવુ છે કે, મને એક એમ્બ્યુલન્સમાં બેસાડીને અડાલજની સરકારી હોસ્પિટલે લઈ જવાયો હતો. જ્યાં ફોર્મ ભરીને બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ નસબંધીનું ઓપરેશન કરી દેવાયુ હતું. ઓપરેશન થયા બાદ બે હજાર રૂપિયા આપવામાં આવ્યા હતાં.
ઘર પરત આવ્યા બાદ આખીય ઘટનાનો યુવકને અણસાર આવી ગયો હતો કે, 'ખરેખર થયુ છે શું? તેણે હૈયાવરાળ ઠાલવી કે, જો મને ખબર હોત તો, હુ ગયો જ ન હોત.'
નસબંધીના ઓપરેશનના નિયમ શું છે?
હકીકતમાં નિયમ એવો છે કે, પુરુષની નસબંધીના ઓપરેશન હોય તો! પત્નિની મંજૂરી લેવી ફરજિયાત છે. ફોર્મમાં પુરુષની પત્નિની સહી લેવી જરૂરી છે. એમ છતાંય નિયમોનું પાલન થતું નથી. ચર્ચા એવી છે કે, અડાલજની સરકારી હોસ્પિટલ જ નસબંધી કાંડનું એપી સેન્ટર રહ્યુ છે, જ્યાં પરિણીત જ નહીં, કુંવારા યુવકોની બારોબાર નસબંધી કરી દેવામાં આવી રહી છે.
આધેડને ખબર પડી ગઈ નહીંતર નસબંધી થઈ ગઇ હોત...
આ જ ગામમાં એક આધેડ એવો ચોંકાવનારો ખુલાસો કર્યો કે, 'હું કેટલાંક દિવસોથી બિમાર હતો. આ જોઇ એક આરોગ્ય કર્મચારીએ કહ્યું કે, ટેસ્ટ કરાવી લો. જમનાપુરમાં બ્લડ ટેસ્ટ કરાવવાનું કહીને મને એમ્બ્યુલન્સમાં કલોલની સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો. જ્યાં મને 2 હજાર રૂપિયાની લાલચ આપવામાં આવી હતી. જો કે, મને આખીય વાતની ખબર પડી. મે આરોગ્ય કર્મચારી સામે પોલીસ ફરિયાદ કરવા ચિમકી આપી હતી હતી. જેથી ડરના માર્યા મને હોસ્પિટલમાંથી જવા દીધો હતો. જો મે ધમકી આપી ન હોત તો મારી પણ નસબંધી થઇ ગઇ હોત.'
જિલ્લા કલેક્ટરે સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા
નવી શેઢાવી બાદ જમનાપુરમાં જ નસબંધીકાંડ બહાર આવ્યું છે ત્યારે મહેસાણા જિલ્લા કલેક્ટરે સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યાં છે. મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ પણ જમનાપુર પહોંચી છે. અન્ય ગામોમાં પણ બારોબાર નસબંધી થઈ છે કે કેમ? કેટલાં યુવકોની બારોબાર નસબંધી કરવામાં આવી છે તેની તપાસ કરવામાં આવી રહી છે.