મહેસાણાના નાનકડાં ગામની દીકરી બની ગુજરાતની પહેલી નૌસેનાની સબ લેફ્ટિનેન્ટ, વાજતે-ગાજતે સ્વાગત કરાયું
Mehsana News: ગુજરાતના કડી તાલુકાનાસ કુંડાળ ગામે રહેતી મૂળ જકાસણા ગામની વતની 23 વર્ષીય સિદ્ધી પટેલ નેવી ઓફિસર બન્યાં બાદ પહેલીવાર ઘરે આવી હતી. સિદ્ધીના ઘરે આવતા જ ગ્રામજનો અને પરિવારજનોએ વાજતે-ગાજતે વરઘોડો કાઢી ભારતીય નૌસેનાના સબ લેફ્ટિનેન્ટ બનેલી દીકરીનું સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે, તેણે દેશના સૌથી લાંબા અને કઠિન પાંચ દિવસીય ઈન્ટરવ્યુને પહેલી ટ્રાયલે જ સફળતાપૂર્વક પાર કરી સાબિત કર્યું હતું કે, મહેનત, અવિરત સંકલ્પ અને સંઘર્ષ દ્વારા કોઈ પણ સપનું શક્ય છે.
નેવી ઓફિસર બન્યા બાદ પહેલીવાર પોતાના વતન આવી
કડી તાલુકાના કુંડાળ ગામે રહેતા પરિવારની દીકરી સિદ્ધિ પટેલ નેવી ઓફિસર બન્યા બાદ પોતાના વતન આવી હતી. ભારતીય નૌસેનામાં સબ લેફ્ટિનેન્ટ તરીકે નિમણૂંક પામ્યા બાદ પહેલીવાર ઘરે આવતા ગ્રામજનો તેમજ પરિવાર દ્વારા વાજતે ગાજતે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સિદ્ધિ પટેલ નું મૂળ વતન જાકાસણા છે. પટેલ છેલ્લાં 20 વર્ષથી પરિવાર સાથે કડી તાલુકાના કુંડાળ ગામે રહે છે. તેના પિતા કનુભાઈ પટેલ મહેસાણા આરોગ્ય ખાતામાં નોકરી કરે છે.
ગ્રામજનોએ વાજતે-ગાજતે કર્યું સ્વાગત
સિદ્ધિએ 1 થી 5 ધોરણ સુધી કડીમાં અભ્યાસ કર્યો અને બાદમાં વડનગર ખાતે જવાહર નવોદય વિદ્યાલય ખાતે પરિવારથી દૂર અભ્યાસ કરવા ગઈ હતી. નાનપણથી જ સિદ્ધિને આર્મીમાં જોડાવાની ઈચ્છા હતી. તેણે વિદ્યાર્થી કાળમાં કેન્દ્ર લેવલે બોક્સિંગમાં પણ ભાગ લીધો હતો. પરિવારથી દૂર રહી નેવી ઓફિસર બન્યા બાદ પહેલીવાર ઘરે આવતાં કુંડાળ ગ્રામજનોએ તેનું વાજતે-ગાજતે સ્વાગત કર્યું.
પહેલી જ ટ્રાયલમાં પાસ કર્યું ઇન્ટરવ્યૂ
નોંધનીય છે કે, એસએસબી (સર્વિસીઝ સિલેક્શન બોર્ડ)નો દેશનો સૌથી લાંબો અને કઠિન જેમાં દરેક ઉમેદવારની માનસિક, શારીરક અને નેતૃત્વ ક્ષમતાની કસોટી થાય તેવા પાંચ દિવસનો ઇન્ટરવ્યૂ પહેલી જ વખત સફળતાપૂર્વક પાર કર્યો હતો. ત્યારબાદ સિદ્ધિએ કેરળ સ્થિત ઈન્ડિયન નેવલ એકેડમીમાં વિશિષ્ટ તાલીમ મેળવવાનું સ્થાન પ્રાપ્ત કરી અથાગ પરિશ્રમથી ભારતીય નૌસેનામાં સબ લેફ્ટિનેન્ટ પદ હાંસલ કરીને પોતાના માતા-પિતા, પરિવાર અને માર્ગદર્શક લેફ્ટિનેન્ટ ડૉ. સ્વાતી નિગમનો આભાર વ્યક્ત કર્યો હતો. સિદ્ધિ ગુજરાતની પ્રથમ મહિલા છે જેણે ભારતીય નૌસેનામાં આ મહત્ત્વપૂર્ણ પદ પ્રાપ્ત કર્યું છે. હવે તે દેશની સુરક્ષામાં પોતાનું યોગદાન આપવા માટે તૈયાર છે. સિદ્ધિએ દરેક યુવા પેઢીને નવી ઉંચાઈઓ સર કરવાનો માર્ગ બતાવ્યો છે.