ખ્યાતિકાંડના પીડિતો-બોરીસણાના લોકોનો ન્યાયની માગ સાથે હલ્લાબોલ, હાઈવે પર કર્યો ચક્કાજામ
Khyati Hospital Controversy : કડી તાલુકાના બોરીસણામાં મેડિકલ ચેકઅપ કેમ્પ યોજીને એસ જી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલના તબીબોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર અપાવવાનું કહીને 19 દર્દીઓની એન્જિયોગ્રાફી કરી હતી. જેમાંથી સાત લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેના લીધે બે દર્દીઓના મોત નીપજ્યાં હતા. આ મામલે ભોગ બનનારા 17 પીડિતોને ન્યાય આપવવા અને આરોપી સામે વધુ ફરિયાદ નોંધવાની માગ સાથે પીડિતો-ગ્રામજનો દ્વારા મહેસાણામાં ચક્કાજામ કરવામાં આવ્યો.
ખ્યાતિકાંડ મામલે મહેસાણામાં વિરોધ પ્રદર્શન
ખ્યાતિકાંડ મામલે ગ્રામજનો દ્વારા મહેસાણા બોરીસણામાં ચક્કાજામ કરાયો છે. જેમાં રાચરડા કડી હાઈવે પર મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈને વાહનો અટકાવ્યા હતા. ખ્યાતિકાંડને લઈને બોરીસણામાં મોટા પાયે દેખાયો કરવામાં આવી રહ્યો છે. મેડિકલ માફિયાઓ સામે બોરીસણાના ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે લોકો ચિમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી ફરિયાદ લેવામાં નહીં આવે ત્યાં સુધી ચક્કાજામ રહેશે. આ સાથે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે વધુ ફરિયાદ નોંધાવા માટે ગ્રામજનોએ માગ કરી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર ઉમટી પડયા છે અને રોડ ઉપર બેસી રસ્તો બંધ કરતા અઢી કિ.મી સુધીના ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.
આરોપી સામે ફરિયાદ નોંધવાની ગ્રામજનોની માગ
વિરોધ પ્રદર્શન કરી રહેલા ગ્રામજનોનું કહેવું છે કે, હોસ્પિટલના ડોક્ટરો અને સત્તાધીશો સામે ગુનો દાખલ કરાયો છે, પરંતુ 17 પીડિતોમાંથી હજુ કેટલાક દર્દીઓની હાલત ગંભીર છે, ત્યારે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ સામે સદોષ માનવ વધનો ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં CDMO ઈન્ચાર્જ CDMO પ્રકાશ મહેતા, ઓપરેશન કરનાર ડૉ. પ્રશાંત વજીરાણી, ડાયરેક્ટર કાર્તિક પટેલ સહિત 6 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી તમામ ગુનેગારો સામે ચાર્જફીટ ફાઇલ કરવા પુરાવા એકઠા કરી રહી છે.
શું હતી સમગ્ર ઘટના?
કડીમાં બોરીસણા ગામે ફ્રી કેમ્પ હોસ્પિટલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યા છે. આ સિવાય અન્ય પાંચ દર્દીની હાલત ગંભીર છે.
મા કાર્ડનો લાભ ખાટવાનો પરિવારજનોનો આરોપ
પરિવારજનોનો આરોપ લગાવ્યો છે કે, હોસ્પિટલને મા કાર્ડનો દુરૂપયોગ કરી પૈસા પડાવવા માટે અમારી જાણ બહાર દર્દીને સ્ટેન્ટ મૂકી દીધું હતું. જેના કારણે બે દર્દીના મોત થયા છે. બે દર્દીના મોત પછી પરિવારજનો સખત રોષે ભરાયા હતા અને તેમણે હોસ્પિટલમાં તોડફોડ કરીને વિરોધ કર્યો હતો.