Get The App

મેગા દબાણ ડ્રાઇવ ઃ સૌથી વધારે સે-૬માં ૪૬૦ ઝુંપડા

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
મેગા દબાણ ડ્રાઇવ ઃ સૌથી વધારે સે-૬માં ૪૬૦ ઝુંપડા 1 - image


ગાંધીનગર શહેરમાં સરકારની કરોડો રૃપિયાની જગ્યા ખાલી કરાવવા માટે

આઠ ટીમો દ્વારા ઝુંપડાવાસીઓને જગ્યા છોડી દેવા સૂચના આપવામાં આવી ઃ બે દિવસ બાદ મહાનગરપાલિકાની ટીમ પોલીસ કાફલા સાથે ઠેરઠેર ખડકાયેલાં ગેરકાયદે લારી-ગલ્લા, ઢોરવાડા સહિતના દબાણો ઉપર ત્રાટકશે

ગાંધીનગર : પાટનગર ગાંધીનગર શહેરમાં સરકારની કરોડો રૃપિયાની જમીન ઉપર ઝુંપડા બંધાઈ ગયા છે ત્યારે કોર્પોરેશનની આગેવાનીમાં વિભાગો સાથે મળીને આજથી દબાણ હટાવવાની મેગા ડ્રાઈવ શરૃ કરવામાં આવી છે. જોકે પ્રથમ બે દિવસ આઠ જેટલી ટીમો દ્વારા સ્થળ ઉપર પહોંચીને ઝુંપડા વાસીઓને જગ્યા ખાલી કરાવવા સમજાવી દેવામાં આવ્યા છે ત્યારબાદ કાફલા સાથે ત્રાટકવાનું નક્કી કરવામાં આવ્યું છે.

પાટનગર ગાંધીનગર શહેરમાં સરકારની કરોડો રૃપિયાની જમીન આવેલી છે. જોકે આ ખુલ્લી જમીનમાં ગેરકાયદેસર રીતે ઝુપડપટ્ટી,લારી ગલ્લા અને ઢોરવાળા ઉભા થઈ જતા હોય છે. મહાનગરપાલિકા દ્વારા અવારનવાર આ દબાણો હટાવવા ડ્રાઈવ કરવામાં આવે છે પરંતુ થોડા સમય બાદ પરિસ્થિતિ જેમની તેમ થઈ જાય છે ત્યારે આ વખતે ગાંધીનગર શહેરમાંથી સંપૂર્ણપણે દબાણો હટાવી દેવા માટે મેગા દબાણ ડ્રાઇવ શરૃ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા તમામ વિભાગો એટલે કે પાટનગર યોજના વિભાગ, વન વિભાગ, દબાણ મામલતદાર સહિતની ટીમોને સાથે રાખીને કામગીરી કરવા ગત નવ જાન્યુઆરીના રોજ સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હતી. એટલું જ નહીં કામગીરી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને ધ્યાન રાખીને સઘન પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવનાર છે. મહાનગરપાલિકા દ્વારા મુખ્ય, આંતરિક માર્ગો તેમજ સરકાર હસ્તક વિવિધ વિભાગોની ખુલ્લી જગ્યાઓ ઉપર આ કામગીરી કરવામાં આવશે. જે વિસ્તારમાંથી દબાણ હટાવી દેવામાં આવશે ત્યાં ફેન્સીંગ પણ કરી દેવામાં આવશે અને એટલું જ નહીં ફરીવાર ત્યાં દબાણ ઊભા થશે તો દબાણકારો સામે પોલીસ કેસ પણ કરવામાં આવશે. દબાણકારોને ૧૬ જાન્યુઆરીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યા બાદ આજથી અલગ અલગ ટીમો દ્વારા માનવીય અભિગમ સાથે સેક્ટરોમાં જઈને ઝૂંપડાવાસીઓને જગ્યા છોડી દેવા માટે તાકીદ કરવામાં આવી હતી. ત્યારબાદ બે દિવસ પછી તંત્ર કુમક સાથે ત્રાટકશે. જોકે ઘણા સેક્ટરોમાં દબાણકારોએ જગ્યા છોડી દેવાનું પણ શરૃ કરી દીધું છે. તો તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક સર્વે મુજબ ગાંધીનગર શહેરમાં સૌથી વધારે સેક્ટર ૬માં ૪૬૦ જેટલા ઝુંપડાઓનો સમાવેશ થાય છે.

અલ્ટીમેટમને પગલે દબાણકારોએ જગ્યા છોડવાનું શરૃ કર્યું

ગાંધીનગરમાં મેગા દબાણ ડ્રાઈવ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા લારી ગલ્લા અને ઝુંપડાધારકોને ૧૬ જાન્યુઆરી સુધીમાં જગ્યા છોડી દેવા માટે તાકીદ કરવામાં આવી હતી. જેના પગલે ઘણા સેક્ટરોમાં ઝુંપડા વાસીઓ અને લારી ગલ્લાધારકો દ્વારા સરકારી જગ્યા છોડી દેવાનું શરૃ કરી દેવામાં આવ્યું છે. બે દિવસ દરમિયાન હજી વધુ દબાણકારો જગ્યા છોડી દેશે. જોકે જો દબાણકારો જગ્યા નહીં છોડે તેમના દબાણ હટાવવામાં આવશે.

એક થી આઠ સેક્ટરમાં જ ૧૧૫૦ ઝુંપડા હોવાનો સર્વે

ગાંધીનગરમાં સરકારી કરોડો રૃપિયાની જમીન ઉપર ઝુંપડા ઊભા થઈ ગયા છે ત્યારે મહાનગરપાલિકા અને અન્ય ટીમો દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક સર્વે મુજબ ફક્ત એક થી આઠ સેક્ટરમાં ૧૧૫૦ ઝુંપડા નોંધાયા છે. સેક્ટર ૩ ન્યુ આરટીઓ ઓફિસની આસપાસ પણ ૭૦થી વધુ ઝુંપડા હોવાનું ધ્યાને આવ્યું છે તો સેક્ટર ૧માં ૨૯સેક્ટર ૨માં ૧૦૫સેક્ટર ૩માં ૯૮સેક્ટર ૪માં ૯૨સેક્ટર ૫માં ૮૦સેક્ટર ૭મા ૧૬૦ અને સેક્ટર ૮માં ૫૦ જેટલા ઝુંપડા પ્રાથમિક સર્વેમાં ધ્યાને આવ્યા છે.


Google NewsGoogle News