શહેરમાં મેગા દબાણ ડ્રાઈવ ઃ સરકારી જમીનમાંથી વધુ ૮૧ ઝુંપડા હટાવાયા
સેક્ટર એકમાં કાંસની બંને બાજુ ફેન્સીંગની કામગીરી શરૃ
મહાનગરપાલિકાની આગેવાનીમાં તમામ વિભાગોને સાથે રાખી સિવિલ હોસ્પિટલ પ્રવેશદ્વાર,સેક્ટર-૧૨, સેક્ટર ૧ અને સેક્ટર ૧૬માં ઝુંબેશ હાથ ધરવામાં આવી
ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકાની આગેવાનીમાં તમામ વિભાગો સાથેની સંયુક્ત દબાણ હટાવ ઝુંબેશ ડ્રાઇવ શરૃ કરવામાં આવી છે ત્યારે શહેરના સેક્ટર ૧, સેક્ટર ૧૬, સેક્ટર ૧૨માંથી ૮૧થી વધુ ઝુંપડાના દબાણ હટાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં સેક્ટર ૧માં દબાણ હટાવીને ત્યાં ફેન્સીંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
પાટનગર ગાંધીનગર શહેરમાં કરોડો રૃપિયાની સરકારી જમીન ઉપર
લારી ગલ્લા અને ઝુંપડાના દબાણો થઈ જવાને કારણે મહાનગરપાલિકા દ્વારા મોટા પાયે દબાણ
હટાવ ઝુંબેશ શરૃ કરવામાં આવી છે ત્યારે છેલ્લા અઠવાડિયાથી ચાલી રહેલી આ કામગીરીને
કારણે દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા અલગ અલગ
સેક્ટરમાં કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે સેક્ટર ૧માં કાંસની અંદર દબાણ
હટાવીને અહીં તાર ફેન્સીંગની કામગીરી શરૃ કરી દેવામાં આવી છે ત્યારબાદ વારંવાર ઊભા
થઈ જતા ઘ ૦થી રિલાયન્સ ચાર રસ્તા વચ્ચેના દબાણોને પણ હટાવવામાં આવ્યા હતા.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બહાર ઉભા થઈ ગયેલા ઝુંપડાના દબાણો હટાવવાની સાથે સેક્ટર
૧૬માં જેસીબી મશીન મારફતે દબાણો હટાવવામાં આવ્યા હતા ત્યારે સેક્ટર ૭માં પણ ટીમો
દ્વારા પહોંચીને ઝુંપડા ખાલી કરી દેવા માટે સૂચના આપવામાં આવી હતી. આ ડ્રાઇવ
દરમ્યાન અલગ અલગ સ્થળોએથી લારી ગલ્લાના દબાણો પણ દૂર કરીને માલ સામાન જપ્ત કરી
લેવામાં આવ્યો હતો . હજી પણ જ્યાં સુધી ગાંધીનગર શહેર સંપૂર્ણપણે દબાણ મુક્ત નહીં
થાય ત્યાં સુધી આ કામગીરી ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. હાલ ૮૧ જેટલા
ઝૂંપડાના દબાણ દૂર કરવામાં આવ્યા હતા.