મેગા દબાણ ડ્રાઈવ શરૂ : સરકારી જમીનમાંથી વધુ 50 ઝુંપડા હટાવાયા
- ગાંધીનગર મહાનગરપાલિકાની આગેવાનીમાં કાર્યવાહી
- સરગાસણના અટ્રીયા કોમ્પ્લેક્ષમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણ હટાવી અને ગંદકી બદલ દંડ પણ ફટકારાયા
ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકાની આગેવાનીમાં તમામ વિભાગો સાથેની સંયુક્ત દબાણ હટાવ ઝુંબેશ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે ત્યારે આજે શહેરના સેક્ટર ૧ અને સેક્ટર ૧૬માંથી ૫૦થી વધુ દબાણ હટાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં સરગાસણના કોમ્પલેક્ષમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણ હટાવી ગંદકી બદલ દંડ પણ કરવામાં આવ્યો હતો.
પાટનગર ગાંધીનગર શહેરમાં કરોડો રૂપિયાની સરકારી જમીન ઉપર લારી ગલ્લા અને ઝુંપડાના દબાણો થઈ જવાને કારણે મહાનગરપાલિકા દ્વારા મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેમાં તમામ વિભાગો અને સાથે રાખવામાં આવ્યા છે. નવા સેક્ટરોમાં માનવીય અભિગમ સાથે ઝૂંપડા દૂર કરી દેવા માટે તાકીદ કરવામાં આવી હતી અને ટીમો દ્વારા સ્થળ ઉપર ઊભા રહીને ઝુંપડા ખોલાવી દેવામાં આવ્યા હતા ત્યારે હવે તંત્ર દ્વારા બુલડોઝર સાથે પહોંચીને દબાણો હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. શહેરના સેક્ટર ૧માં ગાયત્રી મંદિર પાછળથી પસાર થતી કાસમાં મોટા પ્રમાણમાં ઝુંપડા હોવાથી દબાણ ટીમો ત્યાં પહોંચી હતી. જો કે આ ઝુંપડાધારકોએ કહ્યું હતું કે તેમને અગાઉ મહાત્મા મંદિર બનાવવામાં આવ્યું ત્યારે વિસ્થાપિત કરવામાં આવ્યા હતા અને તેમને ઝુંપડા માટેનું કાર્ડ પણ આપવામાં આવ્યું છે. જેના પગલે મહાનગરપાલિકાની ટીમ દ્વારા પાટનગર યોજના વિભાગના અધિકારીઓ અને દબાણ મામલતદારની ટીમને બોલાવવામાં આવી હતી. જ્યાં આ પ્રકારે કોઈ જ કાર્ડ ઇસ્યુ કરવામાં નહીં આવ્યું હોવાનું જણાવ્યું હતું. જેથી આ ૨૪ ઝુંપડાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. બે ઝુંપડામાં તાજા જન્મેલા બાળકો હોવાથી માનવતાની રુએ તેમને બે ત્રણ દિવસમાં જગ્યા ખાલી કરીને અન્ય સ્થળે જવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી તો ત્યારબાદ સેક્ટર ૧૬માં પણ બુલડોઝર મારફતે ઝુંપડાના દબાણ હટાવવામાં આવ્યા હતા. આજની આ ડ્રાઇવ દરમ્યાન ફુલ ૫૦થી વધુ ઝુંપડા હટાવી દેવામાં આવ્યા હતા. તો સરગાસણ ચાર રસ્તા પાસે આવેલા અટ્રીયા કોમ્પલેક્ષમાં ટ્રાફિકને અડચણરૂપ લારી ગલ્લાના દબાણ ઊભા કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે તેને પણ હટાવી દેવાયા હતા. એટલું જ નહીં વેપારીઓ દ્વારા ગંદકી કરવામાં આવતી હોવાનું ધ્યાને આવતા સેનીટેશન શાખાને બોલાવીને સ્થળ ઉપર જ દંડ ફટકારવામાં આવ્યો હતો ગાંધીનગરમાં આગામી દિવસમાં પણ આ દબાણ ડ્રાઇવ વધુ વેગવંતી બનાવવામાં આવનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.