જામનગરના ગોકુલ નગર સર્કલથી સમર્પણ સર્કલ સુધી 30 મીટર ડી.પી. રોડ બનાવવા માટે એસ્ટેટ શાખા દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરાયું
Jamnagar Demolition : જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ડિમોલેશનની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે, ત્યારે ગોકુલ નગર સર્કલથી સમર્પણ સર્કલ તરફ જવા માટેના 30 મીટર નવા ડી.પી. રોડ બનાવવાની પ્રક્રિયા હાથ ધરી લેવામાં આવી છે. જે રોડ પર અંદાજે 28 જેટલા આસામીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું, અને ગેરેજ, હોટલ તેમજ અન્ય નાના-મોટા ધંધાર્થીઓ દ્વારા કાચા પાકા બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા.
ઉપરોક્ત તમામ દબાણોને દૂર કરી લેવા માટેની મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં અંતિમ નોટિસ પાઠવી દેવાઇ હતી. જેની પણ મુદત પૂરી થઈ ગઈ હોવાથી આજે જામનગર મહાનગરપાલિકાના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાની રાહબરી હેઠળ એસ્ટેટ શાખાનો 40 થી વધુ કર્મચારીઓ સાથેનો મોટો કાફલો ડિમોલેશન કાર્યમાં જોડાયો હતો, અને ગોકુલ નગર સર્કલથી સમર્પણ સર્કલ સુધીના માર્ગે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જુદા-જુદા ચાર જેસીબી મશીનો અને ટ્રેકટર સહિતની સામગ્રીનો ઉપયોગ કરીને વહેલી સવારથી ડિમોલેશન હાથ ધરાયું છે, અને 28 જેટલા કાચા પાકા દબાણો હટાવી લેવાનું શરૂ કરાયું છે, જેના માટે ભારે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે.