સોમનાથ મંદિર પાછળ મેગા ડિમોલિશનઃ યાત્રાધામ કોરીડોર વિકાસની પૂર્વતૈયારી
500 થી વધુ પોલીસ સ્ટાફ, બે એસઆરપી કંપની અને વહીવટીતંત્ર ખડેપગે : 30 જેસીબી, 200 ટ્રેક્ટર, 500 મજૂરોને કામે લગાડી 200 જેટલાં દબાણો દૂર કરાવીને 17 વિઘા જમીન ખાલી કરાવાઈ
વેરાવળ,પ્રભાસપાટણ, : યાત્રાધામોના વિસ્તૃતિકરણ પ્રોજેક્ટ અંતર્ગત આજે વહેલી સવારથી અહી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું અને આશરે 200 જેટલા ઝૂંપડાઓ , ડેલાઓ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એમ કહેવાય છે ક કાશીમાં કાશી વિશ્વનાથ કોરીડોર અને અયોધ્યા પછી સોમનાથ યાત્રાધામ કોરીડોરના વિકાસ માટેની આ પૂર્વ તૈયારીઓ છે.
આજે વહીવટી તંત્ર અને પોલીસ તંત્રે એમની બધી શકિતઓ ડિમોલિશનમાં કામે લગાડી દીધી હતી. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના જણાવ્યા મુજબ સોમનાથના દરિયા પાછળના ભાગે સરકારી જમીનમાં અનેક કાચા પાકા દબાણો ખડકાઈ ગયા હતા. આ અગાઉ ગત ઓકટોબર માસમાં ફેઝ -1માં દબાણ હટાવ ઝૂંબેશ કર્યા બાદ આજે વહેલી સવારથી તંત્ર કામે લાગ્યું હતુ. અહી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે જિલ્લા કલેકટર, તમામ વહીવટીતંત્ર, ૫૦૦થી વધારે પોલીસમેન, બે એસઆરપી કંપની, એસઓજી, એલસીબી અને જિલ્લાની તમામ પોલીસ બ્રાંચોને સતર્ક રાખવામાં આવી હતી. જુદી જુદી રીતે ૧૨ ચેક પોસ્ટ પર સઘન ચેકિંગ રાખવામાં આવ્યું છે.
મેગા ડિમોલિશન કરવા માટે ૩૦ જેસીબીને કામે લગાડયા છે. આ ઉપરાંત કાટમાળ દૂર કરવા માટે ૨૦૦ ટ્રેકટર અને ૫૦૦ મજૂરોને કામે લગાડવામાં આવ્યા છે. સોમનાથ મંદિર પાછળ જમીનમાં ૨૦૦ જેટલા ઝૂંપડાઓને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે, જે સાંજ સુધીમાં આટોપી લેવામાં આવશે. અગાઉ ફેઝ -1ના ડિમોલિશનમાં 6 વીઘા જમીન ખાલી કરાવાઈ હતી. જયારે આ ફૈઝમાં ૧૭ વીઘા જમીન ખાલી કરાવાઈ છે. તેમાં કાચા પાકા મકાનો, ઝૂંપડાઓ,વેરાવળ જીઆઈડીસી રોડ, સોમનાથ મંદિર પાછળ દરિયાઈ વિસ્તારનો સમાવેશ થાય છે. અહી જયારે ડિમોલિશન કરવાનું નકકી કરાયુ ત્યારે તમામ ઝુંપડાવાળાઓ અને સરકારી જમીનમાં દબાણ કરનારાઓને બે દિવસ પહેલા સ્વૈચ્છિક રીતે જગ્યા ખાલી કરી નાખવાની મહેતલ આપવામાં આવી હતી અને એમને અન્ય જગ્યા પણ ફાળવી આપવામાં આવી છે. એ પછી આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. દબાણ હટાવ કામગીરીની ડ્રોન ફોટોગ્રાફી કરાઈ હતી. દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન કલેકટર વઢવાણિયા, જિલ્લા પોલીસ વડા, ડે.કલેકટર કે.વી.બાટી, એક ડીવાયએસપી, ૮ પોલીસ ઈન્સપેકટર, ટીયરગેસ ટૂકડી, ૨૦ પીએસઆઈ સહીતના અધિકારીઓ હાજર રહ્યા હતા.