વડોદરા શિક્ષણ સમિતિના 570 કર્મચારીઓને કાયમી કરવા સંદર્ભે રચાયેલી સમિતિની મીટીંગ હજી મળી નથી
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના 570 કર્મચારીઓને કાયમી કરવા છેલ્લા 47 વર્ષથી લડત ચાલી રહી છે. ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવા અને નિયમિત કર્મચારીઓને લાગુ પડતી તમામ શરતો અને સેવાકીય બાબતો લાગુ કરવા અને તેના લાભો આપવા સંદર્ભે સાત સભ્યોની એક સમિતિની રચના ગયા ઓક્ટોબર મહિનામાં કરવામાં આવી હતી.
આ સમિતિના અધ્યક્ષ સ્થાને કોર્પોરેશનના વહીવટી કમિશનર છે, જ્યારે સભ્ય સચિવ શિક્ષણ સમિતિના શાસનાધિકારી છે. આ કમિટીની હજી સુધી મીટીંગ જ મળેલી નથી. દરમિયાન કોર્પોરેશન દ્વારા જ્યારે સાત ઓક્ટોબરના રોજ કમિટીનું ગઠન કરવા અંગે જે પરિપત્ર બહાર પાડવામાં આવેલો હતો, તેમાં જણાવેલું હતું કે શિક્ષણ સમિતિના વર્ગ-4 માનવ દિન કર્મચારીઓ માટે કરેલી રજૂઆત અંગે વિચાર વિમર્શ કરી, નીતિવિષયક બાબતો અંગે તેનો રિપોર્ટ વહેલી તકે રજૂ કરવાનો રહેશે. 1977 થી આજ સુધીની તમામ વિગતો ભેગી કરી કોર્ટ અને લેબર કોર્ટ સમક્ષ ચાલેલી કાર્યવાહી, તેના ચુકાદા વચગાળાના ચુકાદા વગેરેનો અભ્યાસ કરીને હાલની માંગણી તથા કોર્પોરેશનમાં આવનાર આર્થિક બોજની ગણતરી કરી એક અભિપ્રાય સાથે કમિટી સમક્ષ રજૂ કરવાની વિગતો તૈયાર કરવા જણાવ્યું હતું. આ વિગતો તૈયાર થયા બાદ કમિટીની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવશે એવું પરિપત્રમાં સ્પષ્ટ જણાવેલું હતું.
દરમિયાન જાણવા મળ્યા મુજબ આ પ્રકારનો એક રિપોર્ટ તૈયાર કરીને કોર્પોરેશનને સુપ્રત કરી દેવામાં આવ્યો છે, પરંતુ હજી સુધી મીટીંગ અંગે કોઈ હિલચાલ જણાતી નથી. ઉલ્લેખનીય છે કે 570 કર્મચારીઓને કાયમી કરવાના છે, તેમાંથી હાલ 115 હાજર છે. 70 થી 80 કર્મચારી મૃત્યુ પામ્યા છે અને બાકીના નિવૃત્ત છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘ દ્વારા એરિયર્સ છોડવા તૈયારી બતાવી છે અને પેન્શન તથા પગારની માગણી ચાલુ રાખી છે. 90 ટકા કર્મચારીઓ આગામી ચાર વર્ષમાં નિવૃત્ત થઈ જવાના છે. જો કર્મચારીઓને કાયમી કરવામાં આવે તો કોર્પોરેશન પર વાર્ષિક 8 કરોડનો બોજો વધી શકે તેવી શક્યતા છે. સંઘ દ્વારા સમિતિની વેળાસર મીટીંગ રાખીને આ પ્રશ્નનો કાયમી ધોરણે નિવેડો લાવવાની માગણી કરવામાં આવી છે, અન્યથા તારીખ 16 થી ભૂખ હડતાલ પર જવાનું શસ્ત્ર ઉગામ્યું છે.