૫૩૦ કર્મચારી કાયમી કરવા કોર્પો.ની સમગ્ર સભા મુલતવી ઠરાવ મંજૂર કરે
આંદોલન ચલાવતા કર્મચારીઓએ કોર્પોરેશન પહોંચી ગુલાબનું ફૂલ અને વિનંતીપત્ર આપીને ગાંધીગીરી કરી
વડોદરા,વડોદરા મ્યુનિ. કોર્પો. હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના ૫૭૦ કર્મચારીઓને કાયમી કરવા ગઈકાલથી પ્રતીક ઉપવાસ અને હડતાળનો પ્રારંભ કરાયો છે. આજે બીજા દિવસે સાંજે કોર્પો.ની ઓફિસે પહોંચીને આવતા તમામ કોર્પોરેટરો અને પદાધિકારીઓને ગુલાબનું ફૂલ અને વિનંતી પત્ર આપીને ગાંધીગીરી કરી હતી.
પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘે જણાવ્યું હતું કે, સમિતિએ ૫૭૦ કર્મચારીો કાયમી કરવા તા.૯/૬/૨૦૨૦ના રોજ ઠરાવ કર્યો હતો. આ ઠરાવ કોર્પો.ની સમગ્ર સભામાં મોકલી આપ્યો હતો. જે તા.૭/૧૨/૨૦૨૦થી મુલતવી રાખ્યો છે. આ ઠરાવ મંજૂર કરી સમગ્ર સભા હવે તેનો અમલ કરાવે તેવી વિનંતી કરતો પત્ર આપ્યો છે. સંઘના કહેવા મુજબ ગઈકાલે સમિતિના ચેરમેને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે, અમારું કોર્પોરેશન સાથે લાયઝન ચાલુ જ છે. સંઘ કહે છે કે, બંને પક્ષે વકીલો સામસામે બેસી સમાધાનની ફોર્મ્યુલા કોર્ટમાં રજૂ કરે તો અમે અમારું આંદોલન સમેટી લઈશું.
ઉલ્લેખનીય છે કે, ૧૯૭૭ થી આ લડત ચાલુ છે. છેલ્લા ૪૭ વર્ષથી કર્મચારીઓ લડત ચલાવી રહ્યા છે. ૫૭૦ કર્મચારીઓમાંથી હાલ ૧૧૫ નોકરી પર છે. ૭૦ થી ૮૦ મૃત્યુ પામી ચૂક્યા છે, અને બાકીના નિવૃત્ત થયા છે. સંઘ દ્વારા એરિયર્સ છોડવાની તૈયારી દર્શાવી છે. જ્યારે પેન્શન અને પગારની માંગણી ચાલુ રાખી છે. જો કર્મચારીઓને કાયમી કરવામાં આવે તો કોર્પોરેશન પર વાર્ષિક ૮ કરોડનો બોજો વધે તેમ છે. સમિતિના શિક્ષકોને કાયમી કરવા ૭ સભ્યોની એક સમિતિ રચાઈ છે, જેની પ્રથમ બેઠક ગત સોમવારે મળી હતી, જેમાં કોઈ સંતોષજનક નિર્ણય નહીં થતાં સંઘ દ્વારા પ્રતીક ઉપવાસ - હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.