ગુજરાતના 3 જિલ્લામાં હવે એક્સિડેન્ટ કેસમાં મેડિક્લેમનું કૌભાંડ, 24 ઘટનામાં એક જ ડ્રાઈવર
Mediclaim Scam : ગુજરાતના પંચમહાલ,દાહોદ અને મહીસાગર જિલ્લામાંથીવાહન અકસ્માતના કેસમાં મેડિક્લેમ મેળવવા માટેનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાયેલા અકસ્માતના કેસમાં ચાલક તરીકે રજૂ થયેલો શખ્સ અન્ય 24 જેટલા અકસ્માતના કેસમાં પણ મેડીક્લેમમાં ચાલક તરીકે રજૂ થયો હોવાનું વીમા કંપનીની ઉલટ તપાસમાં સામે આવ્યું છે.
ખાનગી વીમા કંપની સમક્ષ વાહન અકસ્માતનો ક્લેમ આવતા કૌભાંડનો પર્દાફાશ
પ્રાપ્ત માહિતી મુજબ ગોધરામાં આવેલા બજાજ એલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીમાં એરિયા મેનેજર તરીકે ફરજ બજાવતા કલ્પેશ કાંતિલાલ પ્રજાપતિએ ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે સને 2016માં ગોધરાની પંચમહાલ મોટર એક્સીડન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલ વાહન અકસ્માતના એક કેસમાં બજાજ એલિયાન્ઝ જનરલ ઈનસ્યોરન્સ કંપનીને નોટિસ મળી હતી.
તેમાં અરજદાર જગદીશભાઈ લક્ષ્મણભાઈ બારીઆ હતાં અને સામાપક્ષે ચાલક તરીકે અસલમ મોહંમદ ચુંચલા તેમજ વાહન માલિક તરીકે સિકંદર સુલેમાનભાઈ સામદ અને બજાજ એલિયાન્ઝ જનરલ ઈન્સ્યુ.કુ.લી. હતી. જગદીશભાઈ લક્ષ્મણભાઈ બારીયા 22 ઓકટોબર 2015માં તુફાન ગાડીમાં બેસીને ગોધરા તરફ જતા હતા ત્યારે થયેલા અકસ્માતને લઈને પંચમહાલના મોટર એક્સીડન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલ વાહન અકસ્માતનો કેસ દાખલ કરીને વીમા કંપની પાસે ત્રણ લાખનું વળતર મેળવવા અરજી કરી હતી, જે કેસના ઈન્વેસ્ટીગેશન માટે વીમા કંપની દ્વારા ખાનગી તપાસ એજન્સીને તપાસ આપવામાં આવી હતી.
તપાસ દરમિયાન માલુમ પડયું હતું કે, અકસ્માતના બનાવમાં પોલીસ દ્વારા અસલમ મોહંમદ ચુંચલાને ચાલક તરીકે બતાવી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ઈન્વેસ્ટીગેશન એજન્સીએ તેઓના રિપોર્ટમાં ચાલક અસલમ મોહંમદ ચુંચલા અન્ય અકસ્માતના કેસમાં પણ ચાલક તરીકે હોવાનો ઉલ્લેખ કરીને કંપનીમાં રિપોર્ટ સબમીટ કર્યો હતો.
જેથી કંપનીના લીગલ ડિપાર્ટમેન્ટ દ્વારા આરોપી અસલમ મોહંમદ ચુંચલાના અન્ય ગુનાઓ તેમજ કોર્ટમાં દાખલ થયેલા વાહન અકસ્માતના કેસોની કોર્ટની વેબસાઈટ ઉપર તપાસ કરતા આ આરોપીના પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાના જુદા જુદા પોલીસ મથકના વાહન અકસ્માતના બનાવોમાં વાહન માલિક તરીકે બતાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી આરોપી બાબતે તપાસ કરતા તે ખોટી રીતે ચાલક તરીકે ઉભો રહી લોકોને વીમાક્લેઈમ અપાવતો હોવાની માહિતી મળી હતી.
અકસ્માતના બનાવમાં ચાલક અસલમ મોહંમદ ચુંચલાને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાનું બજાજ એલિયાન્ઝ જનરલ ઈનસ્યોરન્સ કંપનીને શંકાસ્પદ જણાતા વીમા કંપની દ્વારા રીઈન્વેસ્ટીગેશન માટે એસઆઈટીમાં અરજી કરી હતી. આરોપી અસલમ મોહંમદ ચુંચલા વિરૂઘ્ધ નોંધાયેલા ગુનાઓ પૈકી આરોપી વિરૂદ્ધ પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાના જુદા જુદા 24 ગુનાની વિગતો સામે આવી હતી.
આમ આરોપી અસલમ મોહંમદ ચુંચલા જુદા જુદા અકસ્માતોના બનાવોમાં ચાલક કે વાહન માલિક તરીકે ખોટી રીતે રજુ થયો હતો. તેમજ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાયેલ અકસ્માતના ગુનામાં પોતે અકસ્માતવાળા વાહનનો ડ્રાઈવર ન હોવા છતાં ખોટી રીતે ડ્રાઈવર તરીકે રજૂ થઈ અકસ્માત થયેલા વાહનના માલિક સિકંદરભાઈ સુલેમાનભાઈ સામદ સાથે મળીને કાવતરૂ રચીને ખોટી રીતે વીમા ક્લેઈમની રકમ મેળવવા તથા અપાવવાનો ગુનો આચર્યો હતો. સમગ્ર મામલે ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાઈ હતી.