ગેમઝોનની નવી SOP મુજબ 14 વિભાગોની NOC જરૃરી, વડોદરાની દુર્ઘટનામાં મિકેનિકલ ડિપાર્ટમેન્ટની જવાબદારી,
વડોદરાઃ રાજકોટની ગેમઝોનમાં ૨૭ બાળકો જીવતા ભુંજાઇ ગયા બાદ રાજ્ય સરકારે ગેમઝોન અને મેળાઓ માટે નવી ગાઇડલાઇનનો અમલ કર્યો છે.આમ છતાં વડોદરામાં દુર્ઘટના સર્જાઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ,રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નિયમ-૨૦૨૪ હેઠળ નવી ગાઇડલાઇન તૈયાર કરી છે.જેની જાહેરાત રાજ્યના મુખ્યમંત્રીએ કરી હતી.
આ ગાઇડલાઇ મુજબ ગેમઝોન અને મેળામાં તમામ પ્રકારની સુરક્ષા માટે કાર્યપાલક ઇજનેર યાંત્રિક વિભાગ,ફાયર બ્રિગેડ,આરોગ્ય વિભાગ,સિટિ એન્જિનિયર, નાયબ પોલીસ કમિશનર,ટ્રાફિકના નાયબ પોલીસ કમિશનર,પૂરવઠા જેવા જુદાજુદા ૧૪ જેટલા વિભાગોની એનઓસી અને ૩૦ જેટલી શરતોનું પાલન જરૃરી છે.
વડોદરામાં નવી ગાઇડલાઇન બાદ રોયલ મેળાને મંજૂરી આપવામાં આવી હતી અને પ્રાથમિક તબક્કે જો રાઇડના દરવાજા યોગ્ય ના હોય તો તે માટે આરએન્ડબીના ટેકનિકલ મિકેનિકલ વિભાગની જવાબદારી બનતી હોવાનું જાણવા મળ્યું છે.જો તેમાં કોઇ ખામી ના હોય તો ઓપરેટર પર ઢોળી દેવામાં આવશે.આમ છતાં સત્તાવાર રીતે હજી કોની જવાબદારી બને છે તે જાહેર કરવામાં આવ્યું નથી.