હોસ્ટેલમાં પ્રવેશની સાથે મેસમાં ભોજન ફરજિયાત, MSU સત્તાધીશોનો વધુ એક વિવાદિત નિર્ણય
M S University Vadodara : એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ વધુ એક વિવાદાસ્પદ નિર્ણય લઈને હોસ્ટેલમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે મેસનું ભોજન ફરજિયાત બનાવ્યુ છે. આ નિર્ણય તાજેતરમાં મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં લેવામાં આવ્યો હતો. જોકે વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવની એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો એજન્ડા ગુપ્ત રાખવાની નીતિના કારણે આ બાબતની જાણકારી હવે રહી રહીને સામે આવી છે.
સૂત્રોના કહેવા પ્રમાણે હોસ્ટેલમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓએ હવે ફરજિયાત પણે મેસની આખા વર્ષની ફી એક સાથે પ્રવેશ ફી ભરતી વખતે જ આપવાની રહેશે. જેના કારણે વિદ્યાર્થીએ આગામી દસ મહિનાની 24000 રૂપિયા જેટલી મેસ ફી એક સાથે ભરવાની થશે. આ મેસ ફીમાં સવારના બ્રેકફાસ્ટ અને રાતના ભોજનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલા વિદ્યાર્થી માટે મેસમાં ભોજન ફરજિયાત નહોતું. ઉપરાંત મેસમાં જમનારા વિદ્યાર્થીએ રોજની અથવા દર મહિનાની ફી ભરવાની રહેતી હતી. હવે આ ફી એક સાથે ચૂકવવાની રહેશે અને તેમાં પણ ફી નહીં ભરવાનો કોઈ વિકલ્પ આપવામાં આવ્યો નથી.
સ્થાનિક વડોદરાના વિદ્યાર્થીઓને એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ નહીં મળતા હોબાળો
સત્તાધીશોની દલીલ એવી છે કે, એક સાથે અને ફરજિયાત મેસ ફીના કારણે હોસ્ટેલની મેસમાં ભોજનનો બગાડ ઓછો થશે. ઉપરાંત વિદ્યાર્થીઓની નક્કી સંખ્યા હોવાના કારણે ભોજનની ગુણવત્તામાં સુધારો થશે. જોકે આ નિર્ણય લેતા પહેલા સત્તાધીશોએ કોઈ ચર્ચા નથી કરી અને કોઈનો અભિપ્રાય પણ લીધો નથી. એક સાથે મેસ ફી ભરવાના કારણે ગરીબ વિદ્યાર્થીઓ પર નાણાકીય બોજો વધી જશે તે બાબતે સત્તાધીશોએ વિચાર્યુ પણ નથી.
સત્તાધીશોના નિર્ણય સામે વિદ્યાર્થી સંગઠનો બાંયો ચઢાવે તેવી શક્યતા છે. બીજી તરફ હોસ્ટેલમાં આગામી દિવસોમાં પ્રવેશ આપવાની કાર્યવાહી શરૂ થવાની છે ત્યારે સત્તાધીશોએ મેસ કોન્ટ્રાક્ટ આપવા માટેના ટેન્ડર પણ મંગાવ્યા છે. યુનિવર્સિટીમાં ગર્લ્સ અને બોયઝ માટે 16 હોસ્ટેલ છે અને દરેક હોસ્ટેલ માટે એક મેસ છે.