ઉધના દરવાજા અને લાલગેટથી બે યુવાન પાસેથી રૂ.20 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં ડ્રગ્સની રેલમછેલ : રામપુરામાંથી રૂ.1 કરોડના.ડ્રગ્સ બાદ ઉધના દરવાજા પાસે ક્રાઈમ બ્રાન્ચને જોઈ રુસ્તમપુરાનો મો.તોકીર ભાગ્યો, પીછો કરીને પકડતા 197.42 ગ્રામનો જથ્થો મળ્યો
લાલગેટ પોલીસે તાતવાડા મદીના મસ્જીદ મહોલ્લામાં રહેતા જલાલુદ્દીન શેખના ઘરે રેઈડ કરી 11.94 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું
- સુરતમાં ડ્રગ્સની રેલમછેલ : રામપુરામાંથી રૂ.1 કરોડના.ડ્રગ્સ બાદ ઉધના દરવાજા પાસે ક્રાઈમ બ્રાન્ચને જોઈ રુસ્તમપુરાનો મો.તોકીર ભાગ્યો, પીછો કરીને પકડતા 197.42 ગ્રામનો જથ્થો મળ્યો
- લાલગેટ પોલીસે તાતવાડા મદીના મસ્જીદ મહોલ્લામાં રહેતા જલાલુદ્દીન શેખના ઘરે રેઈડ કરી 11.94 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું
સુરત, : સુરત ફરી ડ્રગ્સ સીટી બનવા જઈ રહ્યું હોય તેમ લાગે છે.એસઓજીએ રામપુરામાંથી ઉચ્ચ ક્વોલીટીનું 1 કિલોગ્રામ એમ.ડી.ડ્રગ્સ ઝડપી લીધા બાદ ઉધના દરવાજા અને લાલગેટ વિસ્તારમાંથી વધુ બે યુવાન 209.36 એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપાયા છે.ક્રાઈમ બ્રાન્ચ ગતસાંજે પેટ્રોલીંગમાં હતી ત્યારે ઉધના દરવાજા પાસે રુસ્તમપુરાનો યુવાન પોલીસને જોઈ ભાગતા તેનો પીછો કરી જડતી લેતા 197.42 ગ્રામ ડ્રગ્સ મળ્યું હતું.જયારે લાલગેટ પોલીસે તાતવાડા મદીના મસ્જીદ મહોલ્લામાં રહેતા યુવાનના ઘરે રેઈડ કરી 11.94 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું હતું.ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા યુવાનને ડ્રગ્સ ડિલિવરી કરવા આપનાર સૈયદપુરાના યુવાનને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતના પોલીસ કમિશ્નરપદેથી અજયકુમાર તોમર વયનિવૃત્ત થતા તે અગાઉ તેમણે શરૂ કરેલી નો ડ્રગ્સ ઈન સુરત સીટી ઝુંબેશને પગલે સુરતમાં ડ્રગ્સના કારોબાર કરનારાઓ વિરુદ્ધ રેકોર્ડબ્રેક કેસો થયા હતા.જોકે, તેમની નિવૃત્તિ બાદ અને નવા પોલીસ કમિશ્નરને ચાર્જ સોંપાયો તે અરસામાં સુરતના નશાના સોદાગરો ફરી સક્રિય થયા હતા.તેને પરિણામે જ એસઓજીએ ગત સોમવારે રામપુરા વિસ્તારમાંથી રૂ.1 કરોડના એક કિલોગ્રામ ઉચ્ચ ક્વોલીટીના એમ.ડી.ડ્રગ્સને ઝડપી પાડયું હતું.જયારે તેની ડીલ કરવા ભેગા થયેલા બે યુવાન પોલીસને જોઈ ભાગી ગયા હતા.જે હજુ પણ ફરાર છે.દરમિયાન, વીતેલા 24 કલાકમાં સુરતના ઉધના દરવાજા અને લાલગેટ વિસ્તારમાંથી વધુ બે યુવાન 209.36 એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપાયા હતા.
ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગતસાંજે બાઈક અને મોપેડ ઉપર ઉધના દરવાજા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે ટ્રાફિક ચોકી આવકાર ટેલરની પાછળ તૈયાર પાનની ગલીમાં એક યુવાન પોલીસને જોઈ ભાગીને એક ઘરની સીડી ચઢતા ક્રાઈમ બ્રાન્ચે તેનો પીછો કરી ઝડપી લીધો હતો.ઝડપાયેલા યુવાન મોહમદ તોકીર ઉર્ફે તોસીફ હનીફ શેખ ( ઉ.વ.22, રહે.રૂસ્તમપુરા, ચલમવાડ, પોલીસ ચોકીની સામે, સુરત. અને ઘર નં.40, ગલી નં.3, ખ્વાજા નગર ઝુપડપટ્ટી, માન દરવાજા, સુરત ) ની ક્રાઈમ બ્રાન્ચે જડતી લેતા તેના ટ્રેક પેન્ટના ખિસ્સામાંથી રૂ.19,74,200 ની મત્તાનું 197.42 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ થેલીમાં મળ્યું હતું.ક્રાઈમ બ્રાન્ચે તેની પાસેથી રૂ.70 હજારની મત્તાનો ફોલ્ડ મોબાઈલ ફોન અને રોકડા રૂ.1200 મળી કુલ રૂ.20,45,400 નો મુદ્દામાલ કબજે કરી પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેને ડ્રગ્સનો જથ્થો ડિલિવરી કરવા માટે સૈયદપુરા ઘંટીવાલા ચાલમાં રહેતા રેહાન જાવીદ શેખે આપ્યો હતો.તે અને જાવીદ છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો વેપાર કરે છે.ક્રાઈમ બ્રાન્ચે આ અંગે ગુનો નોંધી જાવીદને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ગત સોમવારે એક કિલોગ્રામ એમ.ડી.ડ્રગ્સ જે પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપાયું હતું તે લાલગેટ પોલીસે પણ ગતરોજ હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ કાળુભાઇને મળેલી બાતમીના આધારે વરીયાવી બજાર તાતવાડા મદીના મસ્જીદ મહોલ્લામાં રહેતા જલાલુદ્દીન ઈસ્માઈલ શેખ ( ઉ.વ.30 ) ના ઘરે રેઇડ કરી તેની પાસેથી રૂ.1,19,400 ની મત્તાનું 11.94 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ, ડ્રગ્સ વેચવા માટેની નાનીમોટી 271 પ્લાસ્ટીકની પુશલોક બેગ, મોબાઈલ ફોન, બે ડીજીટલ કાંટા અને રોકડા રૂ.13,950 મળી કુલ રૂ.1,45,550 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.ડ્રગ્સનો બંધાણી જલાલુદ્દીન છેલ્લા બે મહિનાથી ડ્રગ્સ મંગાવી પોતાના ઘરેથી વેચાણ કરતો હતો.લાલગેટ પોલીસે આ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.