સુરતમાં ભજીયાની લારી પર ડ્રગ્સનો વેચાણ કરનારો કમ્યુટર એન્જિનિયર નીકળ્યો, મિત્ર સાથે ધરપકડ

અતહર મંસુરીએ મિત્રો પાસેથી પૈસા લઈ યુએસડીટી અને ક્રિપ્ટોમાં રોકાણ કર્યું હતું પણ નુકશાન થતા પૈસા કરવા છ મહિનાથી ડ્રગ્સ વેચતો હતો

મુંબઈના મિત્ર અશરફ સોખીયાને પણ ત્રણ લાખ લેવાના હતા તેથી તેની મારફતે જ સુલેમાનનો સંપર્ક કરી શકીલ મારફતે ડ્રગ્સ મેળવી ભરૂચ અને સુરતમાં સપ્લાય કરતા હતા

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
સુરતમાં ભજીયાની લારી પર ડ્રગ્સનો વેચાણ કરનારો કમ્યુટર એન્જિનિયર નીકળ્યો,  મિત્ર સાથે ધરપકડ 1 - image


Surat News | સુરતના હોડી બંગલાના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભજીયાની લારી ઉપરથી એમ.ડી.ડ્રગ્સ વેચવાના પ્રકરણમાં લાલગેટ પોલીસે ડ્રગ્સ સપ્લાય કરતા ભરૂચના કોમ્પ્યુટર એન્જીનીયર અને તેના મુંબઈના મિત્રને ઝડપી લીધા છે.ભરૂચ હાજીખાના બજારના અતહર મંસુરીએ મિત્રો પાસેથી પૈસા લઈ યુએસડીટી અને ક્રિપ્ટોમાં રોકાણ કર્યું હતું.પણ નુકશાન થતા મિત્રો પૈસા પરત માંગતા હોય અને મુંબઈના મિત્ર અશરફ સોખીયાને પણ ત્રણ લાખ લેવાના હતા તેથી તેની મારફતે જ મુંબઈના સુલેમાનનો સંપર્ક કરી શકીલ મારફતે ડ્રગ્સ મેળવી છ મહિનાથી ભરૂચ અને સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ લાલગેટ પોલીસે ગત શુક્રવારે સાંજે હોડી બંગલાના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોઈનુદ્દીન સલાઉદ્દીન અંસારીની ભજીયાની લારી ઉપર રેઈડ કરી ત્યાંથી રૂ.12.57 લાખની મત્તાના 125.71 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે મોઈનુદ્દીન, તેના બે મિત્રો કાપડ દલાલ મોહમદ જાફર મોહમદ સિદ્દીક ગોડીલ અને શ્રમજીવી રાસીદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માનગની અંસારીની ધરપકડ કરી હતી.કામ બરાબર ચાલતું ન હોય ડ્રગ્સના બંધાણી કાપડ દલાલ મોહમદ જાફર ગોડીલે મુંબઈથી ડ્રગ્સ લાવી મિત્ર મોઈનુદ્દીનની લારી ઉપરથી ડ્રગ્સ વેચવા માંડયું હતું.તેમને માટે ગ્રાહક શ્રમજીવી મિત્ર રાસીદ જમાલ ઉર્ફે બનારસી શોધી લાવતો હતો.ગ્રાહકો સાથે 'દવા' કોડવર્ડમાં ડ્રગ્સનું વેચાણ થતું હતું.લાલગેટ પોલીસે આ અંગે ગુનો નોંધી મોહમદ જાફર ગોડીલની પુછપરછ કરતા તે ડ્રગ્સ ભરૂચથી શેખ ઝમીર મારફતે અતહર મંસુરી પાસેથી મંગાવતો હોવની કબૂલાત કરતા લાલગેટ પોલીસની એક ટીમે ભરૂચ હાજીખાના બજારમાં રહેતા અને કોમ્પ્યુટર એન્જીનીયર 27 વર્ષીય અતહર આરીફ મંસુરીને ઝડપી લીધો હતો.

તેની પુછપરછ કરતા તે ડ્રગ્સ મુંબઈમાં રહેતા મિત્ર અશરફ અબ્દુલ રઝાક સોખીયા પાસેથી મંગાવતો હોય પોલીસની એક ટીમે મુંબઈ પહોંચી મૂળ ભાવનગર તળાજાના ત્રાપજના વતની અને મુંબઈના અંધેરી માર્કેટ ખાતે રહેતા તેમજ બારી ફીટીંગનું કામ કરતા 30 વર્ષીય અશરફ સોખીયાને પણ ઝડપી લીધો હતો.લાલગેટ પોલીસે બંનેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અતહર મંસુરીએ મિત્રો પાસેથી પૈસા લઈ યુએસડીટી અને ક્રિપ્ટોમાં રોકાણ કર્યું હતું.પણ નુકશાન થતા મિત્રો પૈસા પરત માંગતા હોય અને મુંબઈના મિત્ર અશરફ સોખીયાને પણ ત્રણ લાખ લેવાના હતા તેથી તેની મારફતે જ મુંબઈના સુલેમાનનો સંપર્ક કરી શકીલ મારફતે ડ્રગ્સ મેળવી છ મહિનાથી ભરૂચ અને સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું.અતહર મિત્ર ઝમીર શેખ મારફતે ભરૂચમાં અને મોહમદ જાફર ગોડીલને સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો.ઝડપાયેલા અતહર અને અશરફે મુંબઈથી અગાઉ બે વખત ડ્રગ્સ મંગાવ્યું હતું.

અશરફ ડ્રગ્સના પાર્સલ બનાવી ખાનગી ટ્રાવેલ્સમાં ભરૂચ અતહરને મોકલતો હતો

ડ્રગ્સ જોઈતું હોય ત્યારે 'સામાન જોઈએ છે' ડિલિવરી વેળા પોલીસ નજીકમાં દેખાય તો 'મહેમાન હૈ' કોડવર્ડનો ઉપયોગ કરતા

સુરત, : ભરૂચના અતહરે મુંબઈ રહેતા મિત્ર અશરફને તેને આપવાના ત્રણ લાખ પરત કરવા માટે મુંબઈથી કોઈ પાસેથી એમ.ડી.ડ્રગ્સ મેળવીને મોકલવાની અને તેમાંથી જે નફો મળે તેમાંથી ત્રણ લાખ પરત કરવાનું કહેતા અશરફે સુલેમાનનો સંપર્ક કરી શકીલ મારફતે ડ્રગ્સ મેળવ્યું હતું.અશરફ ડ્રગ્સનું પાર્સલ બનાવીને ખાનગી ટ્રાવેલ્સમાં ભરૂચ અતહરને મોકલતો હતો.અતહર પાર્સલ મેળવી મિત્ર ઝમીર મારફતે ભરૂચમાં અને મોહમદ જાફર ગોડીલને સુરત આપવા આવતો હતો.બંને ડ્રગ્સ જોઈતું હોય ત્યારે સામાન જોઈએ છે અને ડિલિવરી વખતે નજીકમાં પોલીસ દેખાય તો મહેમાન હૈ તેવા કોડવર્ડનો ઉપયોગ કરતા હતા.

સુરતમાં ભજીયાની લારી પર ડ્રગ્સનો વેચાણ કરનારો કમ્યુટર એન્જિનિયર નીકળ્યો,  મિત્ર સાથે ધરપકડ 2 - image

ડ્રગ્સ વેચાતું હતું તે ભજીયાની લારી, પાનનો ગલ્લો પોલીસે કબજે કર્યા

સુરત, : લાલગેટ પોલીસે જ્યાંથી ડ્રગ્સ વેચાતું હતું તે મોઇનુદ્દીનની ભજીયાની લારી અને પાનનો ગલ્લો વરસતા વરસાદમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News