સરગાસણમાં ગંદકી બદલ મેકડોનાલ્ડને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો

Updated: Nov 26th, 2023


Google NewsGoogle News
સરગાસણમાં ગંદકી બદલ મેકડોનાલ્ડને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો 1 - image


સફાઈ મામલે કોર્પોરેશન આક્રમક મૂડમાં

કોર્પોરેશનની સ્વચ્છતા ઝુંબેશ દરમિયાન ગંદકી જણાતા પગલા ભરવામાં આવ્યા

ગાંધીનગર: ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા હાલ સફાઈ મામલે કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે ત્યારે સરગાસણમાં ગંદકી ફેલાવવા બદલ મેકડોનાલ્ડને કોર્પોરેશનની ટીમ દ્વારા ૨૫ હજાર રૂપિયાનો સ્થળ ઉપર જ દંડ ફટકારવામાં આવ્યો હતો. જેના પગલે આસપાસના એકમોમાં પણ ફાફડાટ ફેલાઈ ગયો હતો. છેલ્લા એક અઠવાડિયાથી કોર્પોરેશન સફાઈ મુદ્દે ખૂબ જ આક્રમક વલણ અપનાવી રહ્યું છે.

પાટનગર ગાંધીનગર શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મથામણ કરવામાં આવી રહી છે ત્યારે આગામી વાઇબ્રન્ટ સમિટને ધ્યાને રાખી શહેરમાં ખાસ સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેના અનુસંધાને અલગ અલગ સેક્ટરોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તો મુખ્ય માર્ગોની સફાઈ માટે ખાસ ટીમો પણ કામે લગાડી દેવામાં આવ્યું છે તો ગાંધીનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેરને સ્વચ્છ રાખવા અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે ઝુંબેશ હાથ ધરી છે. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા અને જાહેરમાં ગંદકી કરતા વેપારીઓ સામે દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. તેમ છતા કેટલાક વેપારીઓ દ્વારા ગંદકી ફેલાવવામાં આવી રહી હતી. જેની સામે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે સરગાસણ ખાતે આવેલ મેકડોનાલ્ડ શોપને જાહેરમાં ગંદકી કરવા બદલ રૂ. ૨૫૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જેના પગલે આસપાસના વિસ્તારમાં ગંદકી કરતા એકમોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

આગામી દિવસમાં પણ આ જ પ્રકારે સફાઈ મામલે કડક વલણ રાખવાનું કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. હાલ રાજભવનથી વૈષ્ણોદેવી સુધીના માર્ગ ઉપર સફાઈ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાવતા વેપારીઓને પણ દંડવવામાં આવી રહ્યા છે.

- સરગાસણ ચાર રસ્તા પાસે લારીના ગલ્લાના દબાણો હટાવાયા

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રાજભવન થી વૈષ્ણોદેવી સર્કલ સુધી ખાસ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સરગાસણ ચાર રસ્તા પાસે સવસ રોડ ઉપર ટ્રાફિકને નડતરરૂપ લારી ગલ્લાના દબાણો પણ હટાવવામાં આવ્યા હતા. આગામી દિવસમાં અહીં તૂટેલી ફેન્સીંગ રીપેર કરવાની સાથે જ્યાં જરૂર જણાય છે ત્યાં નવી ફેન્સીંગ કરવાનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. દબાણ મામલે કોર્પોરેશન દ્વારા કડક કામગીરી શરૂ કરવામાં આવતા હાલ દબાણ કારોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે.


Google NewsGoogle News