સુરત પાલિકામાં પહેલી વાર મેયર ફંડની બેઠક મુલતવી રહી, સહાય પર બ્રેક
Image Source: Facebook
અઢી વર્ષમાં અધધ 11.87 કરોડની સહાય ચુકવાઈ, ફંડ ઘટી જતાં 120 લાભાર્થીઓની ફાઈલ પેન્ડીંગ
પાલિકાએ મેયર ફંડ માટે અપાતી સહાય ના નીતિ નિયમો બદલતા જરૂરિયાતમંદ ની જગ્યાએ અન્ય લોકો લાભ લેતા હોવાની વ્યાપક ફરિયાદ બાદ નવી નીતિ બનાવવા માટે શાસકોની કવાયત
સુરત, તા. 24 ઓક્ટોબર 2023 મંગળવાર
સુરત મહાનગરપાલિકા માં મેયર ફંડ માટેના નીતિ નિયમો માં ફેરફાર કરીને અકસ્માત ના કિસ્સા ને બદલે મેડિકલ સારવાર માટે ફંડ આપવાનું શરૂ કર્યું છે. જેના કારણે પાલિકા મા છેલ્લા અઢી વર્ષમાં અધધ કહેવાય તેવી 11.87 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. હવે નક્કી કરેલી રકમ પુરી થવા આવતા આજે મેયર ફંડ ની મળેલી બેઠક મુલતવી રાખવામાં આવી હતી. પાલિકાએ મેયર ફંડ માટે અપાતી સહાય ના નીતિ નિયમો બદલતા જરૂરિયાતમંદ ની જગ્યાએ અન્ય લોકો લાભ લેતા હોવાની વ્યાપક ફરિયાદ બાદ નવી નીતિ બનાવવા માટે શાસકોએ કવાયત શરૂ કરી છે.
સુરત મહાનગરપાલિકામાં મેયર ફંડ ની બેઠક મળી હતી. આ બેઠકમાં 120 જેટલી અરજી પર નક્કી કરેલા અંદાજ મુજબ 20 લાખની આસપાસ ની સહાય ચૂકવવાની થતી હતી. જોકે, પાલિકાને એક વર્ષમાં ત્રણ કરોડની મેયર ફંડ માટે સહાય આપવા માટેની રકમ નક્કી કરવામાં આવી છે. પરંતુ ઘણા વખતથી આ રકમ માટે નો ઉપયોગ થતો ન હતો. પરંતુ કોરોના દરમિયાન અનેક લોકોએ મેયર ફંડ માટેની અરજી કરી હતી અને સૌથી વધુ ચુકવણી આ દિવસો દરમિયાન જ કરવામાં આવી હતી.
જોકે, પાલિકા પાસે અગાઉના બાકી અને વ્યાજ મળીને રકમ થતી હતી તેમાંથી છેલ્લા અઢી વર્ષમાં 11.87 કરોડની ચૂકવણી કરવામાં આવી છે અને પાલિકા પાસે હવે 39 લાખનું બેલેન્સ આ સહાય માટે પડ્યું છે. આજે 120 અરજી આવી હતી તેમને 20 લાખની આસપાસ ની રકમ ચુકવવા થાય તો માર્ચ સુધીમાં અન્ય લાભાર્થીઓ આવે તેમના માટે ઘણી મુશ્કેલી થઈ પડે તેમ છે. જેના કારણે આજે મળેલી મેયર ફંડ ની બેઠક મુલતવી રાખવા સાથે આ પ્રકારની સહાય જરૂરિયાતમંદ લોકોને જ મળે તે માટે નવી નીતિ તૈયાર કરવા માટે નિર્ણય કરવામા આવ્યો છે.
આ અંગે મેયર દક્ષેશ માવાણીએ કહ્યું હતું કે, આ પ્રકારની સહાય ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને મળે તે માટે આયોજન થઈ રહ્યું છે. ભૂતકાળમાં કેટલાક ખમતીધર લોકો પણ આ યોજના હેઠળ સહાય લઈ ચૂક્યા છે. જો ખરેખર જરૂરિયાતમંદને જ સહાય મળે તો તેમને ફાયદો થાય તેમ છે. ભૂતકાળમાં કેટલાક કિસ્સા ધ્યાને આવ્યા છે તેના કારણે હવે નવી નીતિઓ બનાવીને વધુમાં વધુ લોકોને સહાય મળે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે અને આગામી દિવસમાં નીતિ બનાવવામાં આવશે અને જરૂરિયાત મંદ સુધી પુરતી સહાય મળે તે માટે વિચારણા કરવામાં આવી રહી છે.