Get The App

મોટરકાંડ ભાજપના નેતાનું કાવત્રુ હોવાનો મેયરનો નિર્દેશ, : ઉપલેટામાં પત્રો વાયરલ થયા

Updated: Feb 14th, 2025


Google News
Google News
મોટરકાંડ ભાજપના નેતાનું કાવત્રુ હોવાનો મેયરનો નિર્દેશ, : ઉપલેટામાં પત્રો વાયરલ થયા 1 - image


અમરેલી લેટરકાંડ દબાવી દેવાયો પણ લોકો બધુ જાણે છે : વાંકાનેરમાં ભાજપના બે જુથો વચ્ચે મતદાન સ્લીપ મુદ્દે વિવાદ : ગમે તેમ ચૂંટણી જીતવાના કાવાદાવાથી અંદરના નેતાઓ નારાજ

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં રવિવારે નગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ રહી છે તે પૂર્વે ભાજપમાં સત્તા માટેની ખેેચતાણ અને ગમે તેમ સત્તા મેળવવા-ટકાવવા કાવાદાવાથી જુના સમયના જનસંઘીઓની નારાજગી જાહેર થઈ રહી છે. મહાકુંભમેળામાં મનપાની સત્તાવાર મોટરકાર લઈને ગયેલા અને ત્યાં કાર ઉપર કપડાં સુકવ્યાના વિવાદથી ઘેરાયેલા રાજકોટમાં મેયર નયનાબેન પેઢડીયાએ પક્ષમાં આંતરિક તેમના વિરૂધ્ધ કાવત્રૂ થયાનું જણાવ્યું છે તો ઉપલેટામાં આજે ભાજપ વિરૂધ્ધ ત્રણ પત્રો વાયરલ થયા છે, વાંકાનેરમાં પણ ભાજપના બે જુથોનો કજિયો સપાટી પર આવ્યો છે. 

રાજકોટના મેયરે ભાજપના જ આંતરિક વર્તુળો ઉપર આંગળી ચિંધીને જણાવ્યું કે હું પ્રયાગરાજ ગઈ ત્યાં જ કોઈએ ફોટા પાડીને થોડી મિનિટોમાં વાયરલ કરી દીધા અને આ અંગે સમય આવ્યે પક્ષને હું બધી વાત જણાવીશ. તો મનપાના અન્ય પદાધિકારીઓએ આ અંગે મૌન સેવ્યું ત્યારે રાજકોટ પશ્ચિમના ધારાસભ્યએ મેયરની પડખે ઉભા રહીને મેયરને આ મુદ્દે તેઓ આગળ ઉપર સાથ આપશે તેમ જણાવીને પક્ષના આંતરિક ખટરાગ પર અંગુલિનિર્દેશ કર્યો છે.

ઉપલેટામાં ચૂંટણીને બે દિવસ બાકી છે ત્યારે આજે ત્રણ પત્રો ભાજપ વિરૂધ્ધ વાયરલ થયા હતા એક પત્રમાં જેમાં ઉપલેટા નગરપાલિકાના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર, છરી વડે હુમલોમાં સંડોવાયેલને ભાજપે ટિકીટ આપી છે અને તે જિલ્લા ભાજપ પ્રમુખના સહકારથી સુધરાઈ પ્રમુખ થવા માંગે છે.બીજા એક જાગૃત મતદાર નામથી વાયરલ પત્રમાં  છેલ્લા પાંચ વર્ષમાં ભાજપ શાસિત સુધરાઈના વહીવટમાં ટાવરવાળા બિલ્ડીંગના રિપેરીગમાં 7 કરોડનો ખર્ચ,પાંજરાપોળ ચોકમાં ભાડુતીમિલકત પરત આપીને ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો કરાયા છે અને આ કારણે ભાજપના પ્રચારમાં અહીં લોહી રેડનાર વરિષ્ઠ નેતાઓ દેખાતા નથી. જય સરદાર કહીને એક પત્રમાં આગઉ બળવો કરનારને ફરી ટિકિટ આપી તેમાં શુ સેટીંગ થયું છે તે સવાલ પુછીને લેઉઆ પાટીદારોને તેમનું હિત શેમાં છે તે સમજવા અપીલ કરી છે. 

વાંકાનેરમાં ભાજપના બે જુથો વચ્ચે સ્લીપ વિતરણનો ગંભીર વિવાદ સર્જાયો છે, સ્લીપમાં વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી વગેરેના ફોટા સાથે સ્થાનિક ધારાસભ્ય જીતુ સોમાણીનો ફોટો હોય તે ફોટાનું કટીંગ કરાયાની વાતો બહાર આવી છે તેમજ સ્લીપો સળગાવી દીધાની ચર્ચા પણ જાગી હતી. વોર્ડ નં.૬માં બે ઉમેદવારો સાંસદ જુથના અને બે ધારાસભ્ય જુથના હોવાનું બહાર આવ્યું છે. 

તો બીજી તરફ મુદ્દા ઉપર પ્રચાર કરીને મત મેળવવાને બદલે તડજોડથી સત્તા મેળવવાના પ્રયાસો જારી રહ્યા છે. જુનાગઢ બાદ જેતપુરમાં વોર્ડ નં. 10માં કોંગ્રેસના અને વોર્ડ નં.૯માં આમ આદમી પાર્ટીના બે ઉમેદવારોને પક્ષપલ્ટો કરાવ્યો છે. આવી રાજનીતિ દરેક સ્થળે ચાલે છે અને જુનાગઢમાં જુના જનસંઘીઓની વેદના પણ ધ્યાને લેવાતી નથી. ગુજરાતના મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિત નેતાઓ સ્ટાર પ્રચાર કરીને લોકોના મત મેળવે તેના બદલે તડજોડથી સત્તા મેળવવી હોય તેવો સિલસિલો જારી છે. અમરેલીમાં ભાજપના બે જુથો વચ્ચેની ખેંચાખેંચી લેટરકાંડથી બહાર આવ્યું તેમાં હજુ નથી તો રિપોર્ટ જાહેર કરાયો કે નથી એફ.એસ.એલ.માં પત્ર-સહી અસલી છે તેવું જાહેર કરાયું અને પ્રકરણ ઉપર ઠંડુ પાણી રેડાયું છે પરંતુ, લોકો બધુ જ જાણતા હોય છે. 

Tags :
Rajkotcar-incident-was-a-conspiracy-by-a-BJP-leaderGujarat-BJP-controversy

Google News
Google News