વડોદરાના મેયર ધારાસભ્ય બન્યા, જાણો હવે મેયરની ભૂમિકા કોણ નિભાવશે?
વડોદરાના કેયુર રોકડિયા મેયર ધાર અને MLA તરીકેની બેવડી ભૂમિકા ભજવશે કે પછી...
બંધારણીય રીતે મેયર અને ધારાસભ્ય બંને પદ પર રહી શકે
વડોદરા,તા. 9 ડીસેમ્બર 2022, શુક્રવાર
વડોદરાના મેયર કેયુર રોકડિયા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સયાજીગંજ બેઠક પર મોટી લીડથી જીત્યા છે. અત્યારે તેઓ વડોદરાના મેયર તરીકે કાર્યરત છે. તો બંધારણીય રીતે મેયરની સાથે સાથે ધારાસભ્ય પદ રહી શકે કે કેમ ? રાજકીય નિષ્ણાતના જણાવ્યાં મુજબ તેઓ બંને પદ પર રીતે રહી શકે છે. અને મેયર તરીકેની અઢી વર્ષની ટર્મ પૂર્ણ કરી શકે છે. એટલે કે તેઓ બન્ને પદ પર રહી શકે. જો કે આ બાબતે હાઇકમાન્ડનો નિર્ણય આખરી રહેશે.
બંધારણીય રીતે મેયર અને ધારાસભ્ય બંને પદ પર રહી શકે
રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં વડોદરા શહેર અને જિલ્લાની 10માંથી 9 બેઠકો પર ભાજપ અને એક પર અપક્ષની જીત થઇ છે. જ્યારે 2017મા આ 10 બેઠકો પૈકી 2 કોગ્રેસ પાસે હતી. હાલમાં 2022ની વિધાનસભામાં શહેરની સયાજીગંજ બેઠક પર વડોદરાનાં મેયર કેયુર રોકડિયાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી અને તેમણે જંગી બહુમતિથી વિજય મેળવી છે. તેથી હવે તેઓ અઢી વર્ષની મેયર પદનીટર્મ પૂર્ણ કરશે કે પછી રાજીનામું આપશે તે અંગે ચર્ચાઓએ વેગ પકડ્યો છે. જો કે બંધારણીય રીતે તેઓ મેયર અને ધારાસભ્ય એમ બંને પદ પર રહી શકે છે.
કેયુર રોકડિયાને હવે 6થી 8 મહિના જેટલી જ ટર્મ બાકી
કેયુર રોકડિયાને મેયર તરીકે લગભગ અઢી વર્ષની પોતાની ટર્મ બાકી છે. અને તેઓ બંધારણીય રીતે બંને પદ પર રહી શકે કે કેમ તે અંગે રાજકીય નિષ્ણાતોનાં જણાવ્યા મુજબ જો કોઇ વિધાનસભાના સભ્ય હોય અને રાજ્યસભા કે લોકસભાના સભ્ય તરીકે ચૂંટાય તો ધારાસભ્ય પદેથી રાજીનામુ આપવું પડે છે. પરંતુ જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ હોદ્દા પર હોય તો ધારાસભ્ય કે સાંસદ બનતા કોઇ રાજીનામુ આપવું પડતું નથી. તેથી તેઓ બંધારણીય રીતે બંને પદ પર રહી શકે છે. કેયુર રોકડિયાને હવે 6થી 8 મહિના જેટલી જ ટર્મ બાકી છે. તેથી તેઓ મેયર તરીકે લગભગ અઢી વર્ષની પોતાની ટર્મ પુરી શકે.