Get The App

સૌરાષ્ટ્રમાં આંધી સાથે માવઠાં, વિજળી પડતા 4ના મોત : કૃષિને વ્યાપક નુક્શાન

Updated: May 15th, 2024


Google NewsGoogle News
સૌરાષ્ટ્રમાં આંધી સાથે માવઠાં, વિજળી  પડતા 4ના મોત : કૃષિને વ્યાપક નુક્શાન 1 - image


વિજળીના કડાકા-ભડાકા સાથે ઠેરઠેર કમોસમી વરસાદ, 233 ગામોમાં અંધારપટ પોરબંદરના શીશલી-સોઢાણા ગામે, સુ.નગરના ચોટીલા-મુળી પંથકમાં વિજળીએ જીવ લીધોઃ મુળીમાં બે ઈંચ,નખત્રાણામાં દોઢ ઈંચ સાથે વાહન વ્યવહાર ખોરવાયો

રાજકોટ, : સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે બપોરે 42- 43 સે.તાપમાને આભમાંથી અગનવર્ષા થયા બાદ સાંજે હવામાનમાં જોરદાર પલટો આવ્યો હતો અને વિજળીના પ્રચંડ કડાકા ભડાકા અને આંધી સાથે કમોસમી વરસાદ ઠેરઠેર ખાબક્યો હતો. વિજળી પડવાથી પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા છે અને બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં આશરે 233  ગામોમાં વિજપૂરવઠો ખોરવાઈ ગયો હતો તથા અનેક સ્થળે હોર્ડીંગ,રૃફટોપ પેનલ વગેરે ઉડયાના અને અમરેલી, જામનગર,સુરેન્દ્રનગર, જસદણ,ગોંડલ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઉનાળુ સીઝનના કૃષિપાકને વ્યાપકપણે નુક્શાનના અહેવાલો છે જ્યાં તાત્કાલિક સર્વે કરાવીને વળતર ચૂકવવા માંગણી થઈ છે. આજે રાત્રે આઠ સુધીમાં મુળી ૨ ઈંચ, કચ્છના નખત્રાણા દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના કુંકાવાવ વડિયા,લાઠી,બાબરા,વઢવાણ,રાજકોટ જિ.નું જેતપુર અને લોધિકા,ઉપલેટા,, અમરેલીનું બાબરા, સુરેન્દ્રનગરનુ થાનગઢ ચોટીલા, સાયલા, જુનાગઢ શહેર,તાલુકા,રાજકોટ શહેર વગેરે સ્થળોએ ભારે ઝાપટાંથી અર્ધો ઈંચ વરસાદ નોંધાયો છે. 

પોરબંદરમાં શીશલી ગામે વાડી વિસ્તારમાં ફોન પર વાત કરી રહેલા બાલુભાઈ કારાભાઈ ઓડેદરા નામના યુવામન પર વિજળી પડતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે સોઢાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા જીવાભાઈ કારાવદરા (ઉ. 60) અને તેમના પુત્ર મુકેશભાઈ વાડીએ હતા ત્યારે વરસાદ પડી રહ્યો હતો, બાદમાં વરસાદ ધીમો પડતા બન્ને બહાર નીકળ્યા ત્યાં અચાનક વિજળી પડતા જીવાભાઈનું મોત નીપજ્યું હતું જ્યારે મુકેશભાઈને હોસ્પિટલે ખસેડાયા હતા. પોરબંદરમાં અનેક સ્થળે વૃક્ષો ધસી પડયા હતા અને વિજવાયરોને નુક્શાન થયું છે. 

સુરેન્દ્રનગરમાં ઠેરઠેર કમોસમી વરસાદ ત્રાટક્યો હતો, મુળીમાં આજે ધોધમાર 2 ઈંચ વરસાદ નોંધાયો છે. મુળી  તાલુકાના ખાટડી ગામની સીમમાં કામ કરતા સંગ્રામભાઈ અમરાભાઈ ગલચર (ઉ. 57) ઉપર વિજળી પડતા ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ચોટીલા તાલુકાના મોકાસર ગામની સીમમાં કામ કરતી 18  વર્ષીય યુવતી આશાબેન મનસુખભાઈ ઉપર વિજળી પડતા મોત નીપજ્યું હતું. બન્ને ગામોમાં શોકનું મોજુ પ્રસરી ગયું હતું. ચોટીલા તાલુકામાં અને વઢવાણ પંથકમાં આજે વરસાદની સાથે કરાં વરસ્યા હતા. ઝાલાવાડમાં તલ,બાજરી,ગમગુવાર,શાકભાજી સહિત પાકોને ૩૦થી ૪૦ ટકા નુક્શાન ગયાના અહેવાલો છે. 

રાજકોટ શહેર જિલ્લામાં પણ ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ ઠેરઠેર વરસ્યો હતો. રાજકોટ શહેરમાં બપોરે અસહ્ય તાપ વરસ્યા બાદ સાંજે આકાશમાં કાળાડિબાંગ વાદળો સાથે વિજળીના ભયાવહ કડાકા-ભડાકા થયા હતા અને ઝાપટાં વરસી જતા માર્ગો પર પાણી રેલાયા હતા. 

ગોંડલ પંથકમાં ધોધમાર એક ઈંચ વરસાદથી માર્ગો પર પાણી વહેતા થયા હતા અને રાતાપુલ,ઉમવાડા અન્ડરબ્રિજમાં પાણી ભરાતા રાહદારીઓ ફસાયા હતા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તાલુકાના દેરડી,રાણસીકી,મોટી ખિલોરી સહિત વિસ્તારમાં બે-બે ઈંચ તથા ચરખડી, વેકરી, સુલતાનપુર સહિત ગામોમાં એક-એક ઈંચ વરસાદના વાવડ છે. કોટડાસાંગાણીના માણેકવાડા અને મોટા માંડવામાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. યાત્રાધામ વીરપુરમાં અસહ્ય ગરમી અને બફારા બાદ સાંજે અષાઢી માહૌલ જામ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ શરુ થયો હતો જેના પગલે બાજરી,મગફળી,મગ,તલ,ડુંગળીને નુક્શાનની ભીતિ છે. 

બાબરામાં આજે મીની વાવાઝોડુ ફૂંકાતા અનેક વૃક્ષો અને વિજપોલ ધરાશાયી થયા હતા, વરસાદ વખતે નાના પુત્ર સાથે ધાબા પર સામાન ફેરવવા ગયેલ શીતલબેન નિલેશભાઈ રાખોલિયા (ઉ.વ. 42)ત્યારે  વિજળી પડતા તે દાઝી જતા વધુ સારવાર માટે આટકોટ હોસ્પિટલ ખસેડાયેલ છે. એક મકાનની દિવાલ ધસી પડી હતી. બાબરામાં પવનનું જોર એટલું તીવ્ર હતું કે શહેરમાં ધાબા ઉપર લગાડેલ સોલાર રૃફટોપ પેનલો અને જાહેરાતના બોર્ડ હવામાં ઉડયા હતા. અનેક સ્થળે વિજપોલ તુટતા વિજપૂરવઠો ખોરવાયો હતો. રાજકોટ-ભાવનગર અને અમરેલી રોડ પર વાહન વ્યવહારને અસર પહોંચી હતી. નગરપાલિકાના તંત્રને ફોન કરાતા જવાબ મળ્યો ન્હોતો. શહેરમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા અને લોકોએ ભરે હાલાકી વેઠવી પડી હતી. પ્રજાપતિ સમાજની કાચી ઈંટોને નુક્શાન થયું છે. 

અમરેલી પંથકમાં આજે પણ કમોસમી વરસાદ પડયો હતો. નાના ભંડારીયા, ચીતલ સહિત ગામોમાં વરસાદ સાથે લાઠી પંથકમાં પવન સાથે વરસાદથી વૃક્ષો પડયા હતા. વડિયા પંથકમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ છે. અમરેલીમાં ઝરમર વરસાદથી ઠંડક પ્રસરી હતી. ધારાસભ્યએ સાવરકુંડલા અને લિલીયાના ખેડૂતોને આ માવઠાંથી નુકશાન  બદલ વળતર આપવા માંગકરી છે. વડિયા અને અરજણસુખ ગામે વરસાદ સાથે કરાં વરસ્યા હતા અને કૃષિપાકને વ્યાપક નુક્શાનના અહેવાલ છે. 

જામનગર જિલ્લાના જામજોધપુરવિસ્તારના ુટાવદર, સંગચીરોડા,બાવરીદડ,સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો અને ખેતરોમાં પાકને નુક્શાનના અહેવાલો છે. 

પીજીવીસીએલ સૂત્રો અનુસાર ભારે પવન સાથે વરસાદથી રાજકોટ ગ્રામ્યમાં 107, અમરેલીમાં 100 સહિત સૌરાષ્ટ્રમાં 233 ગામોમાં વિજપૂરવઠો ખોરવાઈ ગયો હતો. ખેતીવાડીના 202  સહિત 313  ફીડરો બંધ પડયા હતા અને 236 વિજપોલને નુક્શાન થયું છે. અનેક વિસ્તારોમાં અસહ્ય બફારા વચ્ચે વિજળી ડૂલ થતા લોકોને હેરાનગતિ થઈ હતી. 


Google NewsGoogle News