ભાજપમાં બળવો કે વ્યૂહનીતિ? વાવ બેઠક પર આ દિગ્ગજ નેતાએ પક્ષ અને અપક્ષ બંને ભર્યું ફોર્મ
Mavji Patel filed Nomination: વાવ વિધાનસભાની ચૂંટણી વટનો સવાલ બની ગઇ છે. બનાસકાંઠાની આ હાઇ પ્રોફાઇલ સીટે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. બંને પક્ષો માટે લાંબા સમયથી ચાલી રહેલી ઉમેદવારની શોધ આખરે પૂરી થઇ છે. ભાજપ અને કોંગ્રેસે બંને પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
ભાજપના માવજી પટેલે નોંધાવી ઉમેદવારી
બીજી તરફ ભાજપના ઉમેદવાર માવજીભાઇ પટેલે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતાં રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. વાવ વિધાનસભા બેઠક પરથી ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી હોવાથી માવજી પટેલે બળવો પોકાર્યો છે. માવજી પટેલ છેલ્લા 37 વર્ષથી રાજકીય ક્ષેત્રે સંકળાયેલા છે. 1990 માં માવજી પટેલ જનતાદળમાંથી ચૂંટણી લડ્યા હતા અને જીત પ્રાપ્ત કરી છે. તેઓ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને સમાજ પર સારી એવી પકડ છે.
આ પણ વાંચો: વાવ બેઠક પર રાજપૂતોનું રાજ કે પછી ઠાકોર સમાજનો ઠાઠ? જાણો કેવા છે જાતિગત સમીકરણો
ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ માવજી પટેલે કહ્યું હતું કે, 'મેં ભારતીય જનતા પાર્ટીના આદેશથી ભાજપમાંથી ફાર્મ ભર્યું છે. સાથે બીજું ફાર્મ પ્રજાની લાગણીથી અપક્ષમાંથી પણ ભર્યું છે. જો પાર્ટી મેન્ડેટ આપશે તો ભાજપમાંથી ચૂંટણી લડીશું અને નહીં આપે તો જનતાનો આદેશ લઈ જનતાના પ્રતિનિધી તરીકે ચૂંટણી લડીશું. લોકોની લાગણી હતી કે હું ટિકિટની માંગણી કરું. વાવની જનતાના પાયાના પ્રશ્નો પર હું ચૂંટણી લડીશ. વાવ તાલુકાની જનતાને કોઇપણ જાતની તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખીશું. વાવ પંથક વિકાસથી વંચિત ન રહે તે માટે કામ કરવામાં આવશે.'
ભાજપમાં બળવો કે તેની વ્યૂહનીતિ?
ભાજપના જ દિગ્ગજ નેતાએ ભાજપમાંથી એક અને અપક્ષમાંથી પણ એક ઉમેદવારી ફોર્મ ભરતા વાવ-બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું છે. ત્યારે શું માવજી પટેલે પક્ષના કહેવા પર ભાજપમાંથી ફોર્મ ભર્યું છે કે પછી નારાજગીના કારણે બળવો કરીને અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે? એ પણ સવાલ છે કે શું ભાજપને પોતાના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનું ફોર્મ રદ થવાનો ડર છે? તેથી ભાજપે વધુ એક ઉમેદવાર પાસે ફોર્મ ભરાવવાની રણનીતિ બનાવી હોઈ શકે છે.
કોણ છે માવજી પટેલ?
માવજી પટેલ થરાદ વાવ વિધાનસભાનું નેતૃત્વ કરી ચૂક્યા છે. તેઓ પૂર્વે 20 મુદ્દા અમલીકરણ હાઈ પાવર કમિટીમાં રહી ચૂક્યા છે. સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે ટ્રેક્ટર ટ્રોલીને બળદગાડા સમાન ગણીને ટેક્સ મુક્ત કરાવવામાં એક અગ્રીમ ભૂમિકામાં નિભાવી હતી. પૂર્વે મુખ્યમંત્રી સ્વ-ચિમનભાઈ પટેલ સરકારમાં ચિમનભાઈ પટેલના ખાસ વિશ્વાસુ વ્યક્તિ રહ્યા. થરાદ-વાવ ખાસ બનાસકાંઠા વિસ્તારમાં બક્ષીપંચ સમાજમાં પછાત સમાજોને સમાવેશ થાય એના માટે ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી જેતે સમયે માવજી પટેલ દ્વારા કરવામાં આવી હતી. તેઓ લગભગ મોટા ભાગે વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષ ટિકિટ ન આપે તો અપક્ષ ચૂંટણી લડવાની તૈયારી બતાવે છે. જેઓ વર્તમાનમાં ભાજપ પક્ષ સાથે જોડાયેલા છે
ગેનીબેનના કૌટુંબિક કાકા અપક્ષ તરીકે લડશે ચૂંટણી
તો આ તરફ અપક્ષ ઉમેદવારોની વાત કરવામાં આવે તો ગેનીબેનના કૌટુંબિક કાકા ભુરાજી ઠાકોરે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસ અને ગેનીબેનનો ગઢ કહેવાતી વાવ બેઠક પરથી ગેનીબેનના પરિવારના સભ્યે જ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ગેનીબેનના કાકા ભુરાજી ઠાકોર ઘણાં સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા, પરંતુ તેમને ટિકિટ ન મળતાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. ભુરાજી ઠાકોર ગેનીબેનના ગઢમાં ગાબડું પાડશે તો તેનો સીધો ફાયદો ભાજપને થશે.
આ પણ વાંચો: વાવ બેઠક પર ચિત્ર થયું સ્પષ્ટ: કોંગ્રેસના ગુલાબસિંહ સામે ભાજપે સ્વરૂપજી ઠાકોરને ઉતાર્યા મેદાનમાં
અત્રે ઉલ્લેખનીય છે કે વાવ વિધાનસભા બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ ત્યારે બપોરે 2 વાગ્યા સુધીમાં 16 ઉમેદવારો પત્રો ભરાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આજે ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થયા બાદ 28 તારીખે ફોર્મની ચકાસણી થશે. ત્યારબાદ 30 ઓક્ટોબર સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે.
આ પણ વાંચો: વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું નામ ફાઈનલ, થરાદના પૂર્વ ધારાસભ્યને ફાળવાઈ ટિકિટ
વાવ બેઠક પર 13 નવેમ્બરે યોજાશે ચૂંટણી
ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી યોજાશે. જ્યારે ઉમેદવારી નોંધાવવાની તારીખ 18 ઓક્ટોબર, ઉમેદવારી માટેની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર, ઉમેદવારી ચકાસણીની તારીખ 28 ઓક્ટોબર છે. જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર છે.