ભડકાઉ ભાષણ મુદ્દે મૌલાના સલમાન અઝહરીના આજે રિમાન્ડ મગાશે
જૂનાગઢ પોલીસે કબજો લીધો, LCB દ્વારા આકરી પૂછપરછ : આરોપી વિરૂધ્ધ અગાઉ કેટલા ગુના દાખલ થયા, ક્યા શહેરોમાં ભડકાઉ ભાષણ કર્યાં તે વિગતો સાથે આજે કોર્ટ સમક્ષ રજૂ કરાશે
જૂનાગઢ, : જૂનાગઢમાં ગત 31 જાન્યુઆરીના નરસિંહ વિદ્યા મંદિરમાં ભડકાઉ ભાષણ કરવાના મુદ્દે મૌલાના સલમાન અઝહરીને મુંબઈથી અમદાવાદ અને ત્યાંથી સાંજે જૂનાગઢ લાવવામાં આવ્યો છે. જૂનાગઢ એલસીબીની ટીમ દ્વારા મૌલાનાને હેડકવાર્ટર ખાતે રાખી સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
જૂનાગઢમાં વ્યસન મુક્તિના નામે તા. 31 જાન્યુઆરીના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુંબઈમાં રહેતા મોલાના સલમાન અઝહરી દ્વારા ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું હતું. આ અંગેના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જૂનાગઢના બી ડિવિઝન પોલીસમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરનાર આયોજકો અને મોલાના સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવની ગંભીરતા સમજી એટીએસની મદદ લેવામાં આવી છે. એટીએસ દ્વારા મોલાનાને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો. આજે અમદાવાદથી સાંજના સમયે જૂનાગઢ જયશ્રી ટોકીઝ નજીક પોલીસ હેડ કવાર્ટર ખાતે રાખવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોલાના સલમાન અઝહરીની એલસીબીની ટીમ દ્વારા આકરી પુછપરછ શરૂ કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, મોલાના સલમાન અઝહરી વિરૂધ્ધ અગાઉ કેટલા ગુનાઓ દાખલ થયા છે ?, ક્યા ક્યા રાજ્યોમાં ભડકાઉ ભાષણ કર્યા છે ?, કોની-કોની મદદથી ગુજરાતના અન્ય શહેરોમાં કાર્યક્રમો કરવામાં આવ્યા છે ?, ત્યાં મંજુરી લીધી હતી કે કેમ ?, આવા અનેક મુદ્દે એલસીબી અને અન્ય પોલીસના અધિકારીઓ તપાસમાં કામે લાગ્યા છે. આવા અનેક મુદ્દે તપાસ કર્યા બાદ તેમના પુરાવાઓ એકઠા કરી તા. 6 ફેબ્રુઆરી રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે.
LCBને બદલે હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યો
સમગ્ર બનાવની તપાસ એલસીબીને સોંપવામાં આવી છે. મોલાનાને અમદાવાદથી સીધા જૂનાગઢ લાવવામાં આવ્યો હતો. જ્યાં સિવીલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ સીધો હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યો છે. હેડક્વાર્ટર ખાતે તેની કડક પુછપરછ શરૂ કરવામાં આવી છે. સલામતી અને સુરક્ષા ખાતર એલસીબીની કચેરીને બદલે હેડક્વાર્ટર ખાતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.