લાલબાગ અને જેતલપુર બ્રિજ ઉપર માસ્ટીક અને ડામરની કામગીરી કાલથી હાથ ધરાશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આમ તો ત્રણ દિવસ અગાઉ લાલબાગ અને જેતલપુર બ્રિજ એક મહિના સુધી વાહન વ્યવહાર માટે રીપેરીંગ ને ધ્યાનમાં રાખીને બંધ કરવાની ઘોષણા પોલીસના જાહેરનામા દ્વારા કરવામાં આવી હતી. જરૂરી કામગીરી પૂર્ણ કરવામા આવતા હવે આજ રાતથી આ બંને બ્રિજ વાહન વ્યવહાર માટે આશરે એક મહિનો બંધ રહેશે .વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ઓવરબ્રિજ અને ફ્લાય ઓવરબ્રિજ પર માસ્ટીક રી-સરફેસિંગ પાછળ 32 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે. જે સંદર્ભે હાલ સોમા તળાવ બ્રિજ પર માસ્ટીકની કામગીરી પૂરી થઈ છે. હવે ડામર નું રી કારપેટીંગ કામ બાકી રહ્યું છે. લાલબાગ અને જેતલપુર બ્રિજ પર આ કામગીરી આજ રાતથી શરૂ થઈ રહી છે . 17 મી એ જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદ બ્રિજ બંધ કરવા માટે બોર્ડ લગાવી લોકોને માહિતગાર કર્યા હતા.
બંને બ્રિજ પર મશીનરી ચડાવવાનું કામ આજે થશે અને કામગીરી કાલથી ચાલુ થશે. કામગીરી 15 થી 20 દિવસમાં પૂરી કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેથી લોકોને વધુ તકલીફ ન પડે. આ બંને બ્રિજની કામગીરી પૂર્ણ થતા તબક્કાવાર બીજા બ્રિજનું પણ આ રીતે કામ હાથ પર લેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. જેતલપુર બ્રિજ બંધ કરતા હવે ચકલી સર્કલથી વલ્લભ ચોક સર્કલ થઈ, જેતલપુર બ્રિજ ઉપરથી ભીમનાથ નાકા તરફ જવા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના વિકલ્પે જેતલપુર અને અલકાપુરી ગરનાળા, દાંડિયા બજાર બ્રિજ થઈ વાહનો આવજા કરી શકશે. એ જ પ્રમાણે લાલબાગ બ્રિજ સંદર્ભે જે વ્યવસ્થા કરવામાં આવી છે, તેમાં અવધૂત ફાટક થી લાલબાગ બ્રિજ ઉપર અને લાલબાગ બ્રિજ પરથી ટી પોઇન્ટ થઈ પ્રતાપ નગર તરફ જઈ શકાશે નહીં. અવધૂત ફાટકથી માંજલપુર સ્મશાન ચાર રસ્તા, માંજલપુર ગામ, સરસ્વતી ચાર રસ્તા, તુલસીધામ થઈ તેમ જ અવધૂત ફાટકથી લાલબાગ બ્રિજ નીચે મોતીબાગ તોપ અને ત્યાંથી લાલબાગ બ્રિજ પર શ્રેયસ ત્રણ રસ્તા થઈ આગળ જઈ શકાશે. લાલબાગ બ્રિજ ઉપર એક તરફનો રસ્તો ચાલુ રહેશે, પરંતુ જેતલપુર બ્રિજ પર બંને બાજુ રસ્તા બંધ રહેશે.