ધારાસભ્યના પુત્રની દબંગગીરીનાં વિરોધમાં દલિત સમાજની વિશાળ રેલી : સંમેલન યોજાયું
જૂનાગઢથી ગોંડલ સુધીની બાઈક રેલીમાં સૌરાષ્ટ્રભરમાંથી દલિત યુવાનો ઉમટયા : દલિત યુવાનને માર મારવાના કેસમાં FIRમાં ગુજસીટોકનો ઉમેરો કરવા સહિતની 4 માંગ આગેવાનોએ દોહરાવી : ધારાસભ્યનાં પુત્રનાં સમર્થનમાં ગોંડલ યાર્ડ, વિવિધ ગામો સજ્જડ બંધ
ગોંડલ, : ગોંડલના ધારાસભ્યના પુત્ર અને તેના સાગરિતો દ્વારા દલિત યુવાનને માર મારવાના કેસમાં પ્રતિકાર રેલીના આયોજન સંદર્ભે આજરોજ જૂનાગઢથી ગોંડલ સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોંડલના ધારાસભ્યના પુત્રની દબંગગીરીનાં વિરોધમાં આયોજિત બાઈક રેલીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં દલિત યુવાનો ઉમટયા હતાં. રેલી બાદ ગોંડલમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દલીત યુવાનને માર મારવાની પોલીસ ફરિયાદમાં ગુજસીટોકની કલમનો ઉમેરો કરવા સહિત ચાર માંગ દલિત આગેવાનઓએ દોહરાવી હતી. બીજી બાજુ ગોંડલનાં ધારાભ્યનાં પુત્રનાં સમર્થનમાં ગોંડલની મુખ્ય બજારો, માર્કેટીંગ યાર્ડ અને ગામો સજ્જડ બંધ રહ્યા હતાં. અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં વ્યો હતો.
ગોંડલના ધારાસભ્યના પુત્ર અને તેના સાગરિતો દ્વારા જૂનાગઢના દલિત સમાજનાં આગેવાનનાં પુત્રને માર મારવાનાં ચર્ચાસ્પદ પ્રકરણનાં વિરોધમાં આજરોજ અહી જૂનાગઢથી ગોંડલ સુધીની વિશાળ બાઈક રેલી આવી પહોંચ્યા બાદ ખટારાસ્ટેન્ડ ખાતે વિશાળ સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ગોંડલ, રાજકોટ, જૂનાગઢ ઉપરાંત સૌરાષ્ટ્ર - ગુજરાતમાંથી મોટી સંખ્યામાં દલિત સમાજનાં આગેવાનો ઉમટયા હતાં.
વિશાળ સંખ્યામાં ઉપસ્થિત દલિત સમાજને સંબોધતા સંમેલનમાં રાજકોટ જિલ્લા અનુસૂચિત જાતિનાં મહામંત્રી દેવદાનભાઈ મુછડિયાએ ગોંડલ એપીએમસીનાં ચેરમેનની ઓડીયોક્લીપ જાહેર કરી જણાવ્યું હતું કે, પાટીદાર આગેવાન દ્વારા પાટીદાર યુવાનને ધમકાવવાનો આ પુરાવો છે. બાદમાં ક્રમશઃ આગેવાન ભનુભાઈ ચૌહાણ, વશરામભાઈ સાગઠીયા, નિખીલભાઈ ચૌહાણ સહિત અન્ય આગેવાનો દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યા હતાં. છેલ્લે પોલીસ કેસના ફરિયાદી રાજુભાઈ સોલંકીએ જનસભાને સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ ચીમકી આપી હતી કે હવે કોઈ ભુલ કરતા નહી. તાલુકામાં કોઈપણ જગ્યાએ કોઈને પણ અન્યાય થશે તો હવે તેઓ જરૂરથી હાજર રહેશે. વધુમાં તેઓએ ગોંડલના ધારાસભ્ય અને તેના પુત્રને સંબોધી જણાવ્યું હતું કે એક અઠવાડિયું જો તેઓ બોડિગાર્ડ વગર ગોંડલની બજારમાં ફરી બતાવશે તો હું સમાધાન કરી લઈશ.
દલીત સમાજના આગેવાનોએ આજે સંમેલનમાં ચાર માંગ દોહરાવી હતી. જેમાં મૂળ એફઆઈઆરમાં ગુજસીટોકનો ઉમેરો કરવા, ગુનાહિત કાવતરામાં 120બી કલમ ઉમેરવા, સ્પેશ્યલ પીપીની નિમણુંક કરવા અને આ કેસ ફાસ્ટ ટ્રેકમાં ચલાવી છ મહિનામાં પુરો કરવાની તાકીદ કરી હતી. બીજી બાજુ ગોંડલમાં ધારાસભ્યના પુત્રના સમર્થનમાં આજે સવારથી ગોંડલમાં માર્કેટયાર્ડ, નાની બજાર, કડીયાલાઈન, કોલેજ ચોક, જેલ ચોક સહિતનાં વસ્તારો અને તાલુકાનાં સુલતાનપુર સહિત ગામડાઓ સજ્જડ બંધ રહ્યા હતાં. કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે ગોંડલ સહિતનાં વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.