સુરતના વેસુ વિસ્તારમાં લક્ઝુરિયસ ફ્લેટના 3 ફ્લોર આગમાં લપેટાયા, ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે
Fire in Surat: ઉનાળાની શરૂઆત થતાં રાજ્યમાં આગના લાગવાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે સુરતમાં લાગ લાગવાની ઘટના અની છે. સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના આઠમા માળે આગ લાગી હતી. આગ એટલી ભીષણ છે કે બિલ્ડિંગના 3 માળ આગની ચપેટમાં આવી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે હાજર છે.
ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ જ કમ્પાઉન્ડમાં સામેની બિલ્ડિંગમાં રહે છે. જોકે બિલ્ડિંગ અંદર કોઇ ફસાયેલું છે કે નહી તે અંગે હજુ સુધી કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી. માહિતી અનુસાર કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. ફાયરબ્રિગેડની ટીમ હજુ સુધી આગને ઓલવી શકી નથી કેમ કે ઉપરના ત્રણ માળ આગની લપેટમાં આવી ગયા હતા. આઠમા માળે લાગેલી આગ દસમા માળ સુધી પ્રસરી હતી. અત્યાર સુધી 15થી વધુ લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને તમામને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.
આગ પર કાબૂ મેળવવા માટે 5 ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગ લાગવાની ઘટનાને બે કલાક જેટલો સમય થઇ ગયો છે, ધીમે ધીમે આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે.