ઉમરગામની કંપનીમાં ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી
ઉમરગામ જીઆઇડીસીના થર્ડફેઝમાં આવેલી કંપનીમાં ગઇકાલે શનિવારે મધરાતે આગ સળગી ઉઠતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. લાશ્કરોએ લગભગ ચારથી પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી.
ઉમરગામ જીઆઇડીસીના થર્ડફેઝમાં પ્લોટ નં.1402/8 માં ક્લિયર પોલીસ પ્લાસ્ટ નામક પ્લાસ્ટિકની ચીજવસ્તુ ઉત્પાદન કરતી કંપની આવેલી છે. ગઇકાલે શનિવારે મધરાતે કંપનીમાં અચાનક આગ સળગી ઉઠી હતી.પ્લાસ્ટિક અને કેમિકલના જથ્થાને કારણે આગ વધુ વિકરાટ બનતા જોતજોતામાં આખી કંપની આગની લપેટમાં આવી જતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. આસપાસના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘટનાને પગલે વાપી, ઉમરગામ, સરીગામ સહિતના વિસ્તાર બંબા ઘટના સ્થળે દોડી ગયા હતા. બાદમાં લાશ્કરોએ ભીષણ આગને કાબુમાં લેવા કવાયત આદરી હતી.
લગભગ ચારથી પાંચ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગને કારણે કંપનીને ભારે નુકશાન થયાનો અંદાજ આંકવા આવ્યો છે. જો કે આગ કયા કારણોસર લાગી તે અંગે કોઇ કારણ જાણી શકાયું નથી. એફએસએલ રિપોર્ટ બાદ જ કારણ બહાર આવી શકશે.