Get The App

વાપી, ભરૂચ અને માંગરોળની કંપનીમાં ભીષણ આગ, એક જ દિવસમાં 3 આગની ઘટનામાં કોઇ જાનહાનિ નહી

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
વાપી, ભરૂચ અને માંગરોળની કંપનીમાં ભીષણ આગ, એક જ દિવસમાં 3 આગની ઘટનામાં કોઇ જાનહાનિ નહી 1 - image


Fire in Vapi, Bharuch and Mangrol : રાજ્યમાં સતત આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. રાજ્યના વિવિધ શહેરોમાં અવાર-નવાર જી.આઇ.ડી.સી. અને કંપનીમાં આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે આજે વાપી જી.આઇ.ડી.સીમાં કેમિકલનું ઉત્પાદન કરતી કંપનીમાં આગ લાગી હતી, જ્યારે જંબુસર નજીક પ્લાસ્ટિકના બેરલ બનાવતી ટાઇમાઉઝર નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ ઉપરાંત માંગરોળના બોરસરા જી.આઇ.ડી.સી.માં આવેલી કંપનીમાં કેમિકલ ભરેલા ડ્રમમાં બ્લાસ્ટ થયો હતો. એટલે કે એક જ દિવસમાં રાજ્યમાં 3 જગ્યાએ આગ લાગવાની ઘટના સર્જાઇ છે. 

વાપીમાં આગ લાગતાં દોડધામ, કોઇ જાનહાનિ નહી

વાપી જીઆઇડીસીના થર્ડફેઝમાં કેમિકલનું ઉત્પાદન કરતી કંપનીમાં  આજે બુધવારે મળસ્કે આગ સળગી ઉઠી હતી. કેમિકલના જથ્થાને કારણે આગ વિકરાળ બનતા ભારે દોડધામ મચી ગઇ હતી. કોઇ જાનહાની થઇ ન હતી. લાશ્કરોએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

પ્રાપ્ત માહિતિ અનુસાર વાપી જીઆઇડીસીના થર્ડફેઝ વિસ્તારમાં કેમિકલ ઉત્પાદન કરતી શાન્હી કેમિકલ નામક કંપની આવેલી છે. આજે બુધવારે મળસ્કે આગ કંપનીમાં અચાનક આગ સળગી ઉઠી હતી. કંપનીમાં રહેલા કેમિકલના જથ્થાને કારણે આગે વિકરાળ રૂપ ધારણ કરતા જોતજોતામાં આખી કંપની આગની લપેટમાં આવી જતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. આગની જ્વાળા આકાશમાં દૂર દૂર સુધી પ્રસરી ગઇ હતી. આગ લાગતા જ કર્મચારી બહાર નિકળી જતા બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઘટનાને પગલે વાપી મનપા, નોટિફાઇડ, જીઆઇડીસી, દમણ, સેલવાસ સહિતની ફાયર વિભાગની ટીમો  ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. બાદમાં લાશ્કરોએ ભીષણ આગને કાબુમાં લેવા કવાયત આદરી હતી. ત્રણથી ચાર કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગ પાછળનું કારણ બહાર આવ્યું નથી. જીઆઇડીસી પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષ માર્ચ મહિના અગાઉ કંપનીઓમાં આગના બનાવો બનતા હોય છે. અને આવા બનાવો પાછળ શંકાકુશંકા પણ વ્યક્ત કરાતી હોય છે.

માંગરોળના બોરસરા GIDCમાં આગ, કંપનીમાં કેમિકલ ભરેલા ડ્રમમાં થયો બ્લાસ્ટ 

સુરત નજીક આવેલા માંગરોળના બોરસરા જી.આઇ.ડી.સીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીમાં કેમિકલ ભરેલા ડ્રમમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટના લીધે આગે જોતજોતાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ મંગળવારે મોડી રાત્રે લાગી હોવાનું સામે આવ્યું છે. કંપનીમાં પતરાનો શેડ હોવાથી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી થઇ રહી છે. કંપનીના પેકેજિંગ વિભાગમાં આગ લાગતાં બળીને ખાખ થઇ ગયો છે. ફાયર વિભાગની 5 થી 6 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. હાલમાં આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

જંબુસર નજીક પ્લાસ્ટિકના બેરલ બનાવતી કંપનીમાં ભીષણ આગ

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના જંબુસર નજીક પ્લાસ્ટિકના બેરલ બનાવતી ટાઇમાઉઝર નામની કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગના બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોતજોતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં બાજુમાં આવેલી કંપની પણ આગની લપેટમાં આવી ગઇ હતી. હાલમાં આગ પર મહદઅંશે કાબૂ મેળવી લેવાયો છે. આગ પર કાબૂ મેળવવા માટે આસપાસની કંપનીઓના ફાયર ફાઇટરની મદદ લેવાઇ હતી. આગ વધુ ન પ્રસરે તે માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. રાહતના સમાચાર એ છે કે આ બનાવમાં કોઇ જાનહાનિ સર્જાઇ નથી. 


Google NewsGoogle News