Get The App

ભાવનગર-રાજકોટ હાઈ-વે પર જાનૈયા ભરેલી બસમાં વિકરાળ આગ, મોટી જાનહાનિ ટળી

Updated: Feb 18th, 2025


Google NewsGoogle News
ભાવનગર-રાજકોટ હાઈ-વે પર જાનૈયા ભરેલી બસમાં વિકરાળ આગ, મોટી જાનહાનિ ટળી 1 - image


- ...તો બજુડ ગામના પાટીયા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હોત

- નારી ગામથી ગારિયાધાર જાન જઈ રહી હતી ત્યારે બસની બેટરી સળગવાથી આગ લાગતા નાસભાગ, જાનૈયાનો કિંમતી માલસામાન બળીને ખાક્

ભાવનગર/સિહોર : ભાવનગર નજીકના નારી ગામેથી જાનૈયા ભરેલી ખાનગી ટ્રાવેલ્સ બસ ગારિયાધાર મુકામે જઈ રહી હતી ત્યારે ભાવનગર રાજકોટ હાઈ-વે પર બજૂડ ગામના પાટીયા પાસે આજે સવારના સમયે બસ પહોંચી ત્યારે બેટરીમાં આગ લાગવાના કારણે બસમાં આગ લાગી હતી જે ગણતરીની મિનિટોમાં બસમાં ફેલાઈ જતાં બસ ભડથું થઈ ગઈ હતી. સદ્નસીબે બસમાં સવાર જાનૈયાઓએ સમય સુચકતા વાપરી બસની બહાર નિકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી. જે બાદ સિહોર નગરપાલિકાના ફાયર સ્ટાફે એક કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી.

ભાવનગર નજીકના નારી ગામેથી સતીષભાઈ મુકેશભાઈ સોલંકીની જાન એઆર-૦૬-એ-૯૮૧૩ નંબરની ખાનગી ટ્રાવેલ્સ બસમાં ગારિયાધાર મુકામે જઈ રહી હતી અને સવારે ૯ કલાકના અરસામાં ભાવનગર-રાજકોટ હાઈ-વે પર બજૂડ ગામના પાટીયા પાસે ૪૦થી ૫૦ જાનૈયા ભરેલી બસ પહોંચી ત્યારે બસની ક્લિનર સાઈડના ભાગે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જે આગ ગણતરીની મિનિટોમાં બસમાં ફેલાઈ જતાં બસ ભડથું થઈ ગઈ હતી. બીજી તરફ બસમાં આગ લાગ્યાના બનાવની જાણ બસમાં સવાર જાનૈયાઓને થતાં નાસભાગ મચી હતી. જોકે સમય સૂચકતા વાપરી જાનૈયાઓને બહાર કાઢી લેવામાં આવતા સદ્નસીબે મોટી જાનહાનિ ટળી હતી. બીજી તરફ બસમાં આગ લાગ્યાના બનાવની જાણ સિહોર ફાયર વિભાગને કરવામાં આવતા સિહોર નગરપાલિકાના ફાયર સ્ટાફે ઘટના સ્થળે પહોંચી એક કલાકની જહેમત બાદ બસમાં લાગેલી આગને સંપૂર્ણ કાબુમાં લીધી હતી. જોકે ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળીને ભડથું થઈ ગઈ હતી. ફાયર વિભાગને ફોન કર્યાં પછી એક કલાક બાદ ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હોવાના આક્ષેપો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા હતા. આ અંગે બસમાં સવાર રવિભાઈના જણાવ્યા અનુસાર બસમાં આગ લાગી હોવાની ખબર પડતા તુરંત અમુક લોકો બારીમાંથી બહાર નિકળી ગયા હતા અને બસમાં સવાર મહિલાઓ અને બાળકોને દરવાજામાંથી બહાર કાઢ્યા હતા અને બસમાં રહેલો જાનૈયાનો કિંમતી સામાન બળીને ખાક્ થઈ ગયો હતો. જ્યારે આગની ઘટના થતાં બસના ડ્રાઈવર અને ક્લિનર ત્યાંથી ભાગી ગયા હતા. પ્રાથમિક અનુમાન પ્રમાણે બસની બેટરી સળગવાને કારણે આ આગ લાગી હતી.


Google NewsGoogle News