થાનમાં એફ સેરા સિરામિક ફેક્ટરીમાં મોડી રાત્રે ભીષણ આગ
- શોટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન
- મોડી રાત્રે આગ લાગતા મોટી જાનહાની ટળી : મશીનરી, રો મટીરીયલ સહિતનો મુદ્દામાલ બળીને ખાખ થયો
સુરેન્દ્રનગર : થાન શહેરી વિસ્તારમાં આવેલી એફ સેરા સિરામિક કં૫નીમાં મોડીરાત્રે આગનો બનાવ બનતા દોડધામ મચી ગઇ હતી. જો કે સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ ન બનતા મોટી દુર્ધટના ટળી હતી જ્યારે આગને કારણે મશીનરી સહિતનો મુદ્દામાલ બળીને ખાખ થઈ જતા મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું.
થાન ખાતે આવેલી 'એફ સેરા' સિરામિક ફેકટરીમાં રાતના સમયે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. ગણતરીની મીનીટોમાં આગે ભિષણ સ્વરૂપ ધારણ કરતા ફેકટરીમાં રહેલી મશીનરી, રો મટીરીયલ, તૈયાર માલ સહિતનો મુદ્દામાલ બળીને ખાખ થઈ જતા મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું. સદ્દનસીબે રાતના સમયે આગ લાગી હોવાથી સિરામિક ફેકટરીમાં કોઈ શ્રમીકો કે અન્ય સ્ટાફ નહીં હોવાથી મોટી દુર્ધટના બનતા અટકી હતી. આ બનાવની જાણ થતાં સિરામિક ફેકટરીના માલીક સહિતનો સ્ટાફ અને લોકોના ટોળા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આ અંગે પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરવામાં આવતાં ફાયર ફાયટર સ્ટાફ પણ આવી પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે આગે વિકારળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયર ફાયટર ટીમને આગ પર કાબુ મેળવામાં સમય લાગ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.