ધોરાજી તા.ના ક્ષત્રિય નેતાઓના ભાજપમાંથી સામુહિક રાજીનામા
રાજકોટમાં રૂપાલાની ટિકીટ રદ નહીં થવાનું ફાઈનલ થતા : અમે ખોટા ધંધા કરતા નથી તેથી ભાજપથી ડરતા નથી : કાળા વાવટા પર પ્રતિબંધ સામે વિરોધ ઉઠયો
રાજકોટ,ધોરાજી : રાજકોટ બેઠક પરથી પરસોતમ રૂપાલાની ટિકીટ રદ નહીં કરવાનું નક્કી થઈ જતા આંદોલન બીજા તબક્કામાં પ્રવેશ્યું છે. આજે ધોરાજી તાલુકાના અનેક ક્ષત્રિય આગેવાનોએ ભાજપમાંથી સામુહિક રાજીનામા આપ્યા હતા અને સાથે રાજકોટ,ધોરાજી સહિત સૌરાષ્ટ્રભરમાં નવતર રીતે વિરોધ શરૂ કરાશે તેમ નિર્દેશ અપાયો છે.
ધોરાજી તાલુકા ભાજપના આગેવાનો જનકસિંહ જાડેજા, પ્રતાપસિંહ જાડેજા તથા નાનીમારડ, ભાડેર, તોરણીયા, વાડોદર છત્રાસા સહિત અનેક ગામોમાં ભાજપના કાર્યકરો, નેતાઓએ રાજીનામા આપ્યા હતા. જનકસિંહે જણાવ્યું કે અમે કોઈ ખોટા ધંધા કરતા નથી તેથી ભાજપથી ડરવાનો સવાલ જ નથી અને ક્ષત્રિયોને પોતાની લડાઈ લડતા આવડે છે. તો રાજકોટમાં ગજેન્દ્રસિંહ સહિત આગેવાનોએ અમદાવાદ પો.કમિ. દ્વારા કાળા વાવટા પર પ્રતિબંધનો વિરોધ કરીને જણાવ્યું કે આનાથી બંધારણે આપેલા અધિકારનો ભંગ થાય છે. જો નેતાઓને રેલી કાઢવાનો અધિકાર છે તે નાગરિકોને તેમનો વિરોધ વ્યક્ત કરવાનો અધિકાર પણ છે.