Get The App

પરિવારનો સામુહિક આપઘાત, માતા-પુત્રીનું મોત, પુત્ર ગંભીર

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
પરિવારનો સામુહિક આપઘાત, માતા-પુત્રીનું મોત, પુત્ર ગંભીર 1 - image


કેશોદ તાલુકાના ચર ગામની હૃદયદ્રાવક ઘટના : સાતેક માસ પહેલાં પુત્રએ આપઘાત કરી લીધાના કારણે ગમગીન રહેતા માતા- પુત્ર અને  પુત્રીએ ઝેરી દવા ગટગટાવી 

જૂનાગઢ, : કેશોદ તાલુકાના ચર ગામમાં ગતરાત્રીના એક પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા પી લીધી હતી. જેમાં માતા-પુત્રીનું મોત થયું હતું. જ્યારે પુત્રને ગંભીર હાલતમાં સારવારમાં દાખલ કરવામાં આવ્યો હતો. સાતેક માસ પહેલા આ પરિવારના એક યુવાન પુત્રએ આપઘાત કરી લીધો ત્યારથી ગમગીન  રહેતા માતા, પુત્ર અને પુત્રીએ આ પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેશોદ તાલુકાના ચર ગામમાં રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા બાબુભાઇ રાઠોડના પુત્ર દિવ્યેશ (ઉ.વ. 22)એ સાતેક માસ પહેલા આપઘાત કરી લીધો હતો. ત્યારથી પરિવારજનો ગમગીન રહેતા હતા. દિવ્યેશની બહેન રવિનાબેન માનસિક તનાવમાં રહેતી હતી. ગઈકાલે રાત્રીના બાબુભાઈ ઊંઘતા હતા ત્યારે તેમના પત્ની મીનાબેન બાબુભાઇ રાઠોડ(ઉ.વ. 42), પુત્રી રવિનાબેન બાબુભાઇ રાઠોડ(ઉ.વ. 24) અને પુત્ર સંજય બાબુભાઇ રાઠોડ(ઉ.વ. 23)એ ઝેરી દવા પી લીધી હતી.

માતા અને પુત્ર, પુત્રીએ દવા પી લીધા બાદ બૂમાબૂમ થતા બાબુભાઇ જાગ્યા હતા અને ત્રણેયને કેશોદ સારવારમાં ખસેડયા હતા પરંતુ મીનાબેનનું કેશોદ સારવાર મળે એ પૂર્વે જ મોત થયું હતું. જ્યારે રવિનાબેનને  કેશોદ પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તેનું પણ સારવાર દરમ્યાન મોત થયું હતું. જ્યારે સંજય બાબુભાઇ રાઠોડ કેશોદની ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. કેશોદ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, પરિવારના યુવાને સાતેક માસ પહેલા કરેલા આપઘાત બાદ તેના માતા અને ભાઈ બહેન ગમગીન રહેતા હતા. તેના કારણે આ પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે. પરિવારના એક યુવાને સાતેક માસ પહેલા આપઘાત કર્યો તેના શોકમાં માતા-પુત્રીએ એક સાથે દવા પી જીંદગી ટૂંકાવી લીધી અને ભાઈ હોસ્પિટલના બિછાને છે. આ બનાવથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.



Google NewsGoogle News