રાજ્યમાં હાથીપગા રોગ નિવારણ માટે ત્રણ જિલ્લામાં 10થી 12 ફેબ્રુઆરીએ 'સામૂહિક દવા વિતરણ કાર્યક્રમ' યોજાશે
mass m
Elephantiasis Disease : ગુજરાતમાં હાથીપગાનો રોગ નાબૂદ કરવા માટે સરકાર દ્વારા આગામી 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન ‘માસ ડ્રગ એડમીનીસ્ટ્રેશન’એટલે કે સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનો બીજો તબક્કો હાથ ધરવામાં આવશે. જેનો કાર્યક્રમ ભરૂચ, નર્મદા અને ડાંગ જિલ્લાના કુલ ચાર તાલુકામાં યોજાશે. જેમાં આશરે 5.46 લાખથી વધુ નાગરિકોને હાથીપગા રોગ સામે રક્ષણ પૂરું પાડતી દવા ડૉક્ટર પીવડાવશે. જ્યારે બાકી રહેતા લોકોને 13-14 ફેબ્રુઆરીના રોજ ઘરે-ઘરે જઈને દવા ગળાવવામાં આવશે.
હાથીપગાનો રોગ નાબૂદ કરવા માટે આરોગ્યતંત્ર એક્શનમાં
રાજ્યમાં હાથીપગાનો રોગ નાબૂદ કરવા માટે આરોગ્યતંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ભરૂચના નેત્રંગ, નર્મદાના નાંદોદ અને ડેડીયાપાડા અને ડાંગના વધઈ ચાર તાલુકામાં હાથીપગા નિદાન માટે આગામી 10 થી 12 ફેબ્રુઆરીથી માસ ડ્રગ એડમીનીસ્ટ્રેશન કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. જેમાં 10 ફેબ્રુઆરીના રોજ નક્કી કરેલા તાલુકા વિસ્તારની તમામ 776 આંગણવાડી, 748 શાળાઓ અને 13 જેટલી કોલેજોમાં આરોગ્ય કાર્યકરોની 610 ટીમો દ્વારા 56 બુથ પર બાળકોને દવા રૂબરૂમાં ગળાવવામાં આવશે.
હાથીપગા રોગ એટલે શું?
હાથીપગાના રોગને ફાઇલેરિયાસીસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ બાળપણમાં લાગુ પડે છે. મચ્છરના ડંખથી આ બીમારી ફેલાય છે. જેનાં લોહીમાં ફાઇલેરિયાના જીવાણું હોય તેને કોઈ મચ્છર ડંખ મારે અને પછી એ જ મચ્છર બીજાને કરડે ત્યારે એ વ્યક્તિના લોહીમાં પણ જીવાણું પ્રવેશે છે. ફાઇલેરિયાના જીવાણું કોઇ વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યા પછી સામાન્ય રીતે પાંચથી દસ વર્ષે લક્ષણ દેખાતા હોય છે. આમાં હાથ-પગ અને અંડકોષમાં સોજો આવે છે. હાથીપગાની સારવાર માટે ડી.ઇ.સી. તથા એલ્બેન્ડાઝોલ નામની દવા આપવામાં આવે છે.
હાથીપગા રોગના લક્ષણો
1. હાથીપગો થાય ત્યારે અવાર નવાર ખુબ જ તાવ આવે છે.
2. બેચેની અનુભવાય.
3. ઠંડી લાગે.
4. અંગ અકડાય જાય.
5. શરીરની કોઈ પણ લસિકાગ્રંથિમાં સોજા આવી શકે છે.
6. સામાન્યરીતે હાથ, પગ તથા મહિલાઓમાં સ્તન અને પુરુષોમાં વૃષણગ્રંથીમાં સોજા જોવા મળે છે.
હાથીપગો અટકાવવાના ઉપાયો
1. લોકોએ મચ્છર કરડવાથી બચવું જોઈએ.
2. સવાર સાંજ ઘરના બારી બારણા બંધ રાખવા.
3. મચ્છરદાનીમાં સૂવું જોઈએ.
4. ઘરની આસપાસ ગંદુ પાણી જમા થવા ન દેવું જોઈએ.
5. હાથપગમાં સોજાના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર સંપર્ક કરવો જોઈએ.