ગુજરાતમાં કાર પ્લાન્ટ નાંખવા કાર કંપનીઓમાં હોડ જામી : મારૂતિ સુઝુકી સુરેન્દ્રનગર નજીક ઇલેક્ટ્રિક કારનો પ્લાન્ટ સ્થાપશે
image : Socialmedia
- કાર ઉત્પાદન વધારવા કંપનીએ ગુજરાતમાં જ વધુ એક પ્લાન્ટ નાંખવા નક્કી કર્યુ, જમીનની પસંદગી કરાઇ
અમદાવાદ,તા.29 ડિસેમ્બર 2023,શુક્રવાર
મારૂતિ સુઝુકી કંપનીએ પણ ગુજરાતમાં વધુ એક ઇવી કાર-બેટરી પ્લાન્ટ નાંખવા તૈયારીઓ આદરી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં મારૂતિ સુઝુકી આ કાર પ્લાન્ટ અંગે રાજ્ય સરકાર સાથે એમઓયુ કરશે. એટલુ જ નહી, મોટુ રોકાણ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.કાર ઉત્પાદન વધારવા મારૂતિ સુઝુકીએ ગુજરાતમાં જ વધુ એક કાર પ્લાન્ટ નાંખવા નક્કી કર્યુ છે. સુરેન્દ્રનગર નજીક મારૂતિ સુઝુકી ઇવી કાર પ્લાન્ટ નાંખશે. ટૂંકમાં, અત્યારે ગુજરાત કાર કંપનીઓ માટે ટોપ ડેસ્ટિનેશન બની રહ્યુ છે.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મારૂતિ સુઝુકી વધુ એક કાર પ્લાન્ટ માટે MOU કરશે, મોટું રોકાણ કરે તેવી સંભાવના
ભારતમાં મારૂતિ કારની ડિમાન્ડ વધી છે. હાલ ગુજરાતમાં બેચરાજીમાં મારૂતિ સુઝુકીનો પ્લાન્ટ છે. આ પ્લાન્ટમાં કાર ઉત્પાદન થઇ રહ્યુ છે તેમ છતાંય મારૂતિ સુઝુકી પાસે ત્રણ લાખથી વધુ કારનો બેકલોગ પડયો છે. આ પરિસ્થિતી જોતા મારૂતિ સુઝુકી હવે કાર ઉત્પાદન વધારવા ઇચ્છુક છે. આ સંજોગામાં મારૂતિ સુઝુકીએ વધુ એક કાર પ્લાન્ટ નાંખવા વિચાર્યુ છે.
અધિકારિક સૂત્રોનું કહેવુ છેકે, મારૂતિ સુઝુકી પોતાના કાર બિઝનેશને વિસ્તારવા માંગે છે જેના ભાગરુપે ગુજરાતમાં જ વધુ એક કાર પ્લાન્ટ નાંખવા નક્કી કર્યુ છે.મારૂતિ સુઝુકીના અધિકારીઓએ કાર પ્લાન્ટ માટે કચ્છ, ધોલેરા ઉપરાંત અન્ય સ્થળોએ નજર નાંખી હતી પણ હવે આખરે સુરેન્દ્રનગર નજીક કાર પ્લાન્ટ માટે જમીનની પસંદગી કરવામાં આવી છે. છેલ્લાં કેટલાંય દિવસોથી મારૂતિ સુઝુકી અને ઉદ્યોગ વિભાગના અધિકારીઓ વચ્ચે વાટાઘાટો ચાલી રહ્યો છે. હવે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-24માં મારૂતિ સુઝુકી તેના કાર પ્લાન્ટની સત્તાવાર જાહેરાત કરશે અને સરકાર સાથે એમઓયુ કરશે.
ઉલ્લેખનીય છેકે, મારૂતિ સુઝુકીએ દર વર્ષે10 લાખ કાર બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સૂત્રોનું કહેવુ છેકે, મારૂતિ સુઝુકીના વધુ એક કાર પ્લાન્ટને લઇને રોજગારીના અવસર ઉભા થશે. ટાટા, મારૂતિ ઉપરાંત ટેસ્લાનું પણ આગમન નક્કી છે તે જોતા ગુજરાત આગામી દિવસોમાં ઓટો હબ સ્ટેટ બની રહેશે તે નક્કી છે.