પતિની પ્રેમિકા અને સાસુએ હુમલો કરતા પરિણીતા બેભાન
પતિની પ્રેમિકા અને સાસુએ પરિણીતા પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે અટલાદરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
બિલ ગામ વિરાટ હોર્મોનીમાં રહેતા જાગૃતિબેન રોકીભાઇ પટેલે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પતિ રોકીને છેલ્લા છ મહિનાથી એક મહિલા સાથે પ્રેમ સંબંધ છે.અગાઉ પણ મને સંબંધની ખબર પડતા મેં તે મહિલાના ઘરે જઇને કહ્યું હતું કે, તમે મારા પતિને તમારી ત્યાં બેસાડી ના રાખશો. આ અંગે મારા પતિને ખબર પડતા તેમણે મારી સાથે ઝઘડો કર્યો હતો. ગત તા. ૫ મી એ સાંજે સાત વાગ્યે હું મારા મામાના ઘરે અર્બન રેસિડેન્સી બિલ ગામે ગઇ હતી. મેં મારા પતિને પૂછ્યું કે, તમે ક્યાં છો ?તેમણે મને કહ્યું કે, હમણા હું બહાર છું. હું મારા મામાના ઘરેથી મારા ઘરે જતી રહી હતી. મને શંકા જતા હું મારા પતિના જે મહિલા સાથે સંબંધ છે.તેના ઘરે તપાસ કરવા ગઇ હતી. મારા પતિ ત્યાં બેઠા હોઇ મેં તેમને કહ્યું કે, તમે કેમ જૂઠ્ઠંબ બોલ્યા ? મારા પતિની પ્રેમિકા એકદમ મારા પર ઉશ્કેરાઇ ગઇ હતી અને મને બે ત્રણ લાફા મારી દીધા હતા. હું તે મહિલાને મારવા જતા મારા પતિએ મને માર માર્યો હતો. મહિલાના સાસુએ પાછળથી આવી મને માથામાં ફેંટ મારી દેતા હું બેભાન થઇ ગઇ હતી. ત્રણેયે મને મારી નાંખવાની ધમકી આપી હતી.