જામનગરમાં પરિણીતાને પતિ અને દિયરનો ત્રાસ : પોલીસ ફરિયાદ નોંધાવાઈ
Jamnagar : જામનગરમાં રામ મંદિરના ઢાળિયા પાસે રહેતી એક પરિણીતાને તેણીના પતિ તથા દિયરે મારકૂટ કરી ત્રાસ ગુજાર્યો હોવાથી મહિલા પોલીસ મથકમાં બંને સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ફરિયાદ નોંધાવાઈ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં બેડેશ્વર નજીક રામ મંદિરના ઢાળિયા પાસે રહેતી રાધિકાબા બ્રિજરાજસિંહ પરમાર નામની 27 વર્ષની પરિણીતાએ પોતાના પતિ તેમજ દીયર સામે મારકુટ અને ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પોતાનો પતિ બ્રિજરાજસિંહ પરમાર તેમજ દિયર પૃથ્વીરાજસિંહ પરમાર કે જે બંને લગ્નજીવન દરમિયાન નાની-નાની બાબતોમાં ઝઘડો કરીને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા, અને મારકુટ કરી ઘરમાંથી કાઢી મૂકી હતી.
જેથી તેણીએ મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને આ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને મહિલા પોલીસની ટીમે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ બંને સામે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.