પરિણીત એસઆરપી જવાને યુવતીને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજાર્યો
ઉત્તર ગુજરાતથી યુવતી ગાંધીનગર અભ્યાસ માટે આવી હતી
લગ્ન કરવાનું વચન આપી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું : પોલીસે ગુનો દાખલ કર્યો
ગાંધીનગર : ગાંધીનગરમાં અભ્યાસ માટે આવેલી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી પરણિત યુવાને અપરણિત હોવાનું કહી લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ કર્યાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે હાલ સેક્ટર ૭ પોલીસ દ્વારા એસઆરપી જવાન યુવાન સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી હતી.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર
શહેરમાં આવેલા છાત્રાલયમાં રહેતી મૂળ ઉત્તર ગુજરાતના જિલ્લામાંથી આવેલી યુવતીનો
સંપર્ક તેના જ વિસ્તારના એસઆરપી જવાન યુવાન સાથે થયો હતો અને બંને વચ્ચે ફોન ઉપર
વાતચીત શરૃ થઈ હતી. જોકે આ યુવાન દ્વારા પોતે અપરણિત હોવાનું કહીને યુવતી સાથે
પ્રેમ સંબંધ શરૃ કરવામાં આવ્યો હતો. છેલ્લા એક વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ
બંધાયો હતો અને યુવાન દ્વારા તેણીને થોડા સમય અગાઉ ગાંધીનગરમાં આવેલી હોટલમાં લઈ
જઈને શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો. બંને એક જ સમાજના હોવાથી આ યુવતીને તેની
સાથે લગ્ન થઈ જશે તેવી આશા પણ જાગી હતી. આ સંદર્ભે તેણે પરિવારજનોને પણ જાણ કરી
હતી. જો કે થોડા સમય અગાઉ આ યુવતીને જાણવા મળ્યું હતું કે, તેની સાથે પ્રેમ
હોવાની વાતો કરનારો આ યુવાન પરિણીત છે. જેના પગલે તેના માથે આભ ફાટયા જેવી
સ્થિતિનું નિર્માણ થયું હતું. જેથી આ એસઆરપી જવાન યુવાન સામે ગાંધીનગરના સેક્ટર ૭
પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી
છે.